પટણાઃ બિહારના અનેક એવા જિલ્લાઓમાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. આ એલર્ટ વચ્ચે ડિઝાસ્ટર મેનેડમેન્ટ વિભાગ તરફથી ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આઠ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓ માટે ખાસ ગાઈડલાઈન્સ પણ જાહેર કરવામાં આવી છે. વોટર રીસોર્સ વિભાગ દ્વારા પણ પટણા જિલ્લામાં ગાંધી ઘાટ પર અને મોકામામાં તા.4 સપ્ટેમ્બર સુધી ગંગા નદીનું સ્તર વધવાની ચેતવણી આપાવામાં આવી છે. આ વિસ્તારમાં ગંગા નદીનું સ્તર સર્વોચ્ચ સ્તરથી વધવાની પૂરી શક્યતાઓ છે.
પાણીનું સ્તર વધશે તો ચિંતા
ગંગા નદીમાં પાણીનું લેવલ વધશે તે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ સ્થિતિને ધ્યાને રાખી ભોજપુર, પટણા, વૈશાલી, નાલંદા, બેગુસરાય, લખીસરાય અને જહાનાબાદમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારમાં આવેલા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની પૂરી શક્યતાઓ છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને જગ્યા ખાલી કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત વરસાદ અને પાણીનું સ્તર વધવા પર એલર્ટ રહેવાની સૂચના આપી દેવાઈ છે. આ ઉપરાંત કોઈ જ પ્રકારનું જોખમ ન લેવા માટે નાગરિકોને કહેવામાં આવ્યું છે. વાતાવરણ અને ગંગા નદીના જળસ્તર પર વહીવટી તંત્ર સતત વૉચ રાખી રહ્યું છે.
આ ગાઈડલાઈન્સ આપવામાં આવી છે.
નદીઓ, નદી કિનારા, બંધ અને નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી રીતે જવાનું ટાળો. બાળકો, વૃદ્ધો અને અપંગ વ્યક્તિઓને નદીઓ અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રાખો. વહીવટીતંત્ર દ્વારા નિયુક્ત સલામત સ્થળો અને રાહત શિબિરો વિશે માહિતગાર રહો અને જરૂર પડે તો તાત્કાલિક ત્યાં જાઓ. નદીમાં નહાવા કે તરવા, બિનજરૂરી બોટ મુસાફરી અને સેલ્ફી લેવા જેવી જોખમી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે ટાળો. આવશ્યક દસ્તાવેજો, દવાઓ, મોબાઇલ ફોન, ફ્લેશલાઇટ, પીવાનું પાણી અને અન્ય જરૂરી વસ્તુઓ સુરક્ષિત અને સરળતાથી લઈ જવા માટે તૈયાર રાખો. અફવાઓ પર ધ્યાન ન આપો; ફક્ત જિલ્લા વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જારી કરાયેલ સત્તાવાર માહિતી પર આધાર રાખો. જો પાણીનું સ્તર વધે અથવા પૂરની પરિસ્થિતિ વિકસે તો વહીવટીતંત્ર અને બચાવ ટીમોની સૂચનાઓનું તાત્કાલિક પાલન કરો. કોઈપણ કટોકટીની સ્થિતિમાં, તાત્કાલિક સ્થાનિક વહીવટીતંત્ર અને રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્રને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 1070 દ્વારા જાણ કરો