મુંબઈઃ ગુરુવાર, ત્રીજી સપ્ટેમ્બરનો દિવસ ભારતીય ક્રિકેટના નજીકના ભાવિ માટે કોઈ ટૂર્નામેન્ટના પરિણામની દૃષ્ટિએ નહીં, પણ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના મોવડીઓની કેટલાક દિગ્ગજો સાથેની ચર્ચાને કારણે અમુક અંશે નિર્ણાયક બની શકે, કારણકે એમાં જે મુદ્દાઓ પર ચર્ચા થવાની છે એમાં ખાસ કરીને રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાના પ્રશ્ને ખાસ વાતચીત થવાની પાક્કી સંભાવના છે. ચીફ સિલેક્ટર અજિત આગરકરના ભાવિ પર પણ ફેંસલો થવાની સંભાવના નકારી ન શકાય.
બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાની હેડ-કોચ ગૌતમ ગંભીર, ચીફ સિલેક્ટર અજિત આગરકર અને બેંગ્લૂરુના સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઇ)ના ચીફ વીવીએસ લક્ષ્મણ સાથેની ગુરુવારની મહત્ત્વની ચર્ચા વાનખેડે સ્ટેડિયમ ખાતેના બીસીસીઆઇના વડા મથકમાં થશે. આયરલૅન્ડમાં શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ભારતની ટી-20 ટીમનો 0-2થી જે શર્મનાક પરાજય થયો અને ત્યાર બાદ ઇંગ્લૅન્ડમાં 0-4થી પરાજયની નામોશી થઈ એના પર અધૂરી રહેલી ચર્ચા થશે જ, કારણકે ઝિમ્બાબ્વેના પ્રવાસ અને શ્રીલંકાની ટૂરને લીધે એ ચર્ચા બાકી રહી ગઈ હતી. ભારતે ઝિમ્બાબ્વેમાં અને શ્રીલંકામાં અનુક્રમે ટી-20 શ્રેણી 3-0થી અને ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી લીધી, પણ ભવિષ્યની વાત કરીએ તો રોહિત શર્મા બાબતમાં લાંબી ચર્ચા થવાની સંભાવના છે.
રોહિત (Rohit) ટેસ્ટ અને ટી-20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, પણ વન-ડેમાં તેણે વિરાટ કોહલીની જેમ રમવાનું હજી ચાલુ રાખ્યું છે. ગુરુવારની ઉચ્ચ-સ્તરિય બેઠકમાં સૈકિયા (ગંભીર, આગરકર, લક્ષ્મણ પાસેથી) કદાચ એવું જાણવાની કોશિશ કરશે કે રોહિત શર્માએ 2027ના વન-ડે વિશ્વ કપ સુધી રમવાનું ચાલુ રાખવું જોઈએ કે નહીં?
કેટલાક અખબારી અહેવાલોમાં તેમ જ આધારભૂત સૂત્રોએ `અંદર કી બાત'ની જાણકારી આપી છે કે રોહિત શર્મા 2027ના વન-ડે વર્લ્ડ કપના પ્લાનમાં છે જ નહીં. બીજું, હાર્દિક પંડ્યા ઘણા સમયથી સ્પર્ધાત્મક ક્રિકેટ રમવા માટે ફિટ નથી. આ સ્થિતિમાં તેની તેમ જ અન્ય કેટલાક ખેલાડીઓની ફિટનેસની બાબતમાં પણ ગુરુવારે ક્રિકેટ બોર્ડમાં ચર્ચા થશે.