Wed Sep 09 2026

Logo

એક ચાહકે મોકો મળતાં જ પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સનાને પૂછી લીધું, `ક્યા ખાતી હો?': બીજા ફૅને કહ્યું, `ભારત કો હરાના હૈ'

DUBAI   2026-09-02 17:55:18
Author: Ajay Motiwala
એક ચાહકે મોકો મળતાં જ પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સનાને પૂછી લીધું, `ક્યા ખાતી હો?': બીજા ફૅને કહ્યું, `ભારત કો હરાના હૈ'

દુબઈઃ મહિલાઓના ટી-20 એશિયા કપમાં થાઇલૅન્ડને 94 રનથી હરાવ્યા પછી હવે ભારતની આગામી મૅચ ગુરુવાર, ત્રીજી સપ્ટેમ્બરે (રાત્રે 8.00 વાગ્યાથી) હૉન્ગ કૉન્ગ સામે રમાવાની છે, પરંતુ કરોડો ક્રિકેટપ્રેમીઓ શનિવારની ભારત-પાકિસ્તાનની શનિવારની મૅચ (રાત્રે 8.00 વાગ્યાથી)ની વાટ જોઈ રહ્યા છે એટલે એને લગતી કોઈ પણ ઘટના બને તો સોશ્યલ મીડિયામાં તરત વાઇરલ થઈ જાય છે. મંગળવારે દુબઈના સ્ટેડિયમમાં પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સના (Fatima Sana) સાથે તેના કેટલાક ચાહકોએ થોડી યાદગાર ક્ષણો વીતાવી હતી અને એમાં તેની સાથે ભારત સામેની આગામી મૅચને લક્ષમાં રાખીને હળવી વાતચીત પણ કરી હતી.

ચાહકોને ફાતિમા સનાએ સેલ્ફી લઈ આપી

મંગળવારે પાકિસ્તાન (Pakistan)ની ટીમ નવ વિકેટે માત્ર 119 રન બનાવી શકી ત્યાર પછી થાઇલૅન્ડની ટીમ 20 ઓવરને અંતે 8/84ના સ્કોર સાથે 35 રનથી હારી ગઈ હતી. આ જીતથી ઉત્સાહિત થયેલી ફાતિમા સના બાઉન્ડરી લાઇનની બહાર કેટલાક ચાહકો પાસે પહોંચી ગઈ હતી અને તેમની સાથે વાતચીત કરી હતી. સનાએ કેટલાક ફૅનના મોબાઇલમાં સેલ્ફી લઈ આપી હતી. એક ચાહકે સનાને ત્યાં સુધી પૂછી લીધું હતું કે `ક્યા ખાતી હો?'

ફાતિમા સના શૂન્યમાં આઉટ

મંગળવારે થાઇલૅન્ડ સામે ફાતિમા સના ઝીરોમાં આઉટ થઈ ગઈ હતી. તે એક જ મિનિટ ક્રીઝમાં ટકી શકી હતી અને બીજા જ બૉલ પર સ્પિનર સલીપોર્ન લાઓમીને વળતો કૅચ આપી બેઠી હતી. જોકે એકંદરે સના લાંબા છગ્ગા ફટકારવા માટે જાણીતી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે 24 છગ્ગા અને 84 ચોગ્ગા છે.

ચાહક સાથે સનાની હળવી વાતચીત

`ક્યા ખાતી હો?' એવું સનાને પૂછવા પાછળનો તેની એક ચાહકનો હેતુ ભારત સામેની શનિવારની મૅચમાં પાકિસ્તાને જીતવું જ પડશે એવો સંકેત આપવાનો હશે. સના ચાહકોની નજીક આવ્યા બાદ સેલ્ફી લઈ આપતી હતી ત્યારે તેણે જેવી તેમની સાથે વાતચીત શરૂ કરી ત્યારે બીજા એક ચાહકે મોકો જોઈને તેને ટકોર કરી દીધી કે `ઇન્ડિયા કો હરાના હૈ.' આ સાંભળીને સનાએ એટલું જ કહ્યું, `ઇન્શા અલ્લાહ.' આવું કહીને સનાએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જોકે ટી-20માં ભારત સામેના 17 મુકાબલામાં પાકિસ્તાન માત્ર ત્રણ વખત જીતી શક્યું છે. વિમેન ઇન ગ્રીન 2022થી માંડીને અત્યાર સુધીમાં વિમેન ઇન બ્લુને નથી હરાવી શકી. છેલ્લાં 10 વર્ષમાં પાકિસ્તાનની મહિલાઓ એક જ વખત ભારત સામે જીતી છે.