દુબઈઃ 2027ના વર્ષમાં મહિલાઓ માટેની સૌપ્રથમ ચૅમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ ભારત (India)માં રમાશે. અગાઉ શ્રીલંકાને કુલ છ દેશ વચ્ચેની આ સ્પર્ધાનું યજમાનપદ સોંપાયું હતું, પરંતુ શ્રીલંકન ક્રિકેટ બોર્ડના કારભારમાં શ્રીલંકન સરકારના હસ્તક્ષેપને કારણે આઇસીસીએ એની પાસેથી યજમાનપદ પાછું લઈને ભારતને આપ્યું છે. જોકે શ્રીલંકા (Sri Lanka) હવે યજમાન (Host) નથી એમ છતાં છઠ્ઠી જુલાઈની કટ-ઑફ ડેટ સુધીમાં ક્વૉલિફાય થઈ ચૂક્યું હોવાથી પોતાની ટીમને આ ટૂર્નામેન્ટ માટે ભારત મોકલી શકશે.
ભારત ઉપરાંત બીજા પાંચ દેશ (ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા) વચ્ચે રમાનારી આ ટી-20 ટૂર્નામેન્ટ 2027ની 14મી ફેબ્રુઆરીએ શરૂ થશે અને 28 ફેબ્રુઆરીએ પૂરી થશે. રાઉન્ડ રૉબિન સ્તરે મૅચો રમાયા બાદ શ્રેષ્ઠ બે ટીમ ફાઇનલમાં પહોંચશે. સ્પર્ધાની મૅચો ચર્ચગેટના બે્રબર્ન સ્ટેડિયમમાં તેમ જ વડોદરામાં રમાશે. બ્રેબર્નમાં છેલ્લે ડિસેમ્બર, 2022માં ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી. એ મૅચ ભારત-ઑસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે ટી-20 ફૉર્મેટમાં રમાઈ હતી. 2023માં સૌપ્રથમ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની મૅચો તેમ જ 2025ની સીઝનની અમુક મૅચો બ્રેબર્નમાં રમાઈ હતી.
ત્રણ દાવેદારમાં ભારત અગ્રેસર હતું
ફેબ્રુઆરી, 2027ની વિમેન્સ ટી-20 ચૅમ્પિયન્સ ટ્રોફી યોજવા માટે શ્રીલંકાનું નામ કાઢી નાખવામાં આવ્યા બાદ ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા પણ દાવેદાર હતા. જોકે બાંગ્લાદેશ આ ટૂર્નામેન્ટમાં છે જ નહીં. બાકી રહેલા ભારત અને સાઉથ આફ્રિકામાંથી ભારત પર કળશ ઢોળવામાં આવ્યો હતો.
નવા અધ્યાયની શરૂઆતઃ જય શાહ
2025માં ભારતમાં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ રમાયો હતો જે ભારતે જીત્યો હતો. આઇસીસીના ચૅરમૅન જય શાહે મહિલાઓ માટેની ચૅમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતને મહિલા ક્રિકેટના નવા અધ્યાય તરીકે ઓળખાવી છે. તેમણે એવું પણ કહ્યું કે `ચૅમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ દુનિયાની શ્રેષ્ઠ ટીમોને એક મંચ પર લાવશે અને હાઈ-ક્વૉલિટી મુકાબલા થશે. આ ટીમોને રૅન્કિંગમાં ઉપર આવવા તેમ જ વૈશ્વિક સ્તરે પોતાનો દરજજો ઉપર લાવવાનો મોકો મળશે.
હવે લગભગ દર વર્ષે મહિલાઓ માટે આઇસીસીની મોટી ટૂર્નામેન્ટ રમાતી જ હોય છે એટલે હવે મહિલા ક્રિકેટના વિકાસની ગતિ વધારવાની તક મળવા ઉપરાંત એમાં સાતત્યતા પણ જળવાશે અને મહિલા ક્રિકેટ તેમ જ એની ખેલાડીઓ તથા તેમના ચાહકો માટે મજબૂત લય તૈયાર કરવાનો મોકો પણ મળશે.'