Sat Jul 11 2026

Logo

દહિસરમાં ખાણમાં બે યુવકના ડૂબી જવાથી મોત

2026-07-11 18:56:09
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: દહિસર (પૂર્વ)માં પાણીથી ભરેલી ખાણમાં અકસ્માતે પડી ગયેલા બે ૧૯ વર્ષના છોકરાઓના ડૂબી જવાથી  મૃત્યુ થયા હોવાનું મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યું હતું. મુંબઈ ફાયરબ્રિગ્રેડના જણાવ્યા મુજબ નેશનલ પાર્કની હદમાં આવતા દહિસર પૂર્વમાં કેટકી પાડામાં આવેલી શેખ ખાણમાં શનિવારે આ દુર્ઘટના બની હતી, જેમાં સવારે લગભગ ૧૦.૩૦ વાગે  બંને છોકરાઓ અંદાજિત ૧૦ થી ૧૫ ફૂટ ઊંડા ખાણમાં પડ્યા હતા. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બચાવ કામગીરી હાથ ધરી અને બંને પીડિતોને પાણીમાંથી બહાર કાઢ્યા અને તેમને તબીબી સારવાર માટે પાલિકાની શતાબ્દી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બંને પીડિતોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

શતાબ્દી હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર ડો. મંત્રીએ પુષ્ટિ આપી કે બંને પીડિતોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ પીયૂષ ગુપ્તા (૧૯) અને ઓમ અંકુશ સિંહ (૧૯) તરીકે કરવામાં આવી છે.  
પોલીસે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓમ અંકુશ સિંગ અંધેરીમાં રહેતો હતો જ્યારે પીયૂષ કાંદિવલીમાં રહેતો હતો. આ બંને યુવકો તેમના ક્લાસના બીજા બે મિત્રો સાથે કોલેજમાં જવાને બદલે સંજય ગાંધી નેશનલ પાર્ક નજીક આવેલી આ ખાણ  તરફ ફરવા ગયા હતા. ચારેય યુવકો કોમર્સના પહેલા વર્ષના કાંદિવલીની કોલેજના વિદ્યાર્થી હતા. 

પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમ્યાન તેમાંના એક યુવકે ખાણમાં પાણીમાં જવા પહેલા  તેઓએ બિયર પીધો હોવાની કબૂલાત કરી હતી. ચારેય યુવકોને તરવાનું આવડતું નહોતું. છતાં સવારના ૧૦.૨૦ વાગે ઓમ અને પીયૂષ બંનેએ ઊંડા પાણીમાં ઊતરવાનું સાહસ કર્યું હતું, ત્યારે અન્ય બે યુવકો ત્યાં કિનારા પાસે બેસી રહ્યા હતા.

ઓમ અને પીયુષને શ્ર્વાસ લેવામાં તકલીફ થતા ઉપર બેસેલા બંને યુવકોએ તેમના બહાર કાઢવા માટે તેમના અંદર બૅગ ફેંકી હતી પણ અંદર રહેલા બંને જણ તેને પકડવામાં નિષ્ફળ ગયા હતા. એ બાદ તેમના એક યુવકે પોલીસ કંટ્રોલને આ દુર્ઘટના બાબતે ફોન કરીને જાણ કરી હતી. પોલીસ અને ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને બંનેને બહાર કાઢ્યા હતા અને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ જે ખાણમાં બંને યુવકો ડૂબી ગયા હતા, તેમાં ચોમાસામાં સામાન્ય રીતે ૩૦થી ૪૦ ફૂટ પાણી ભરેલું હોય છે. સ્થાનિક રહેવાસીઓને આ વિસ્તાર જોખમી હોવાની જાણ હોવાથી તેઓ અહીં આવતા નથી પણ બહારથી આવનારા યુવાનો અહીં આંધળું સાહસ કરતા હોય છે અને આવી દુર્ઘટના બને છે.