Tue Oct 06 2026

Logo

ભિવંડીની નદીમાં તણાઈ ગયેલા બે છોકરાનાં શબ પાલઘરમાં મળ્યાં

2026-07-11 17:09:17
Author: Yogesh C. Patel
ભિવંડીની નદીમાં તણાઈ ગયેલા બે છોકરાનાં શબ પાલઘરમાં મળ્યાં

થાણે: ભિવંડીની કામવારી નદીમાં આવેલા પૂરમાં તણાઈ ગયેલા બે છોકરાનાં કોહવાયેલાં શબ લગભગ 80 કિલોમીટર દૂર પાલઘર જિલ્લામાંથી મળી આવ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ધોધમાર વરસાદને કારણે ભિવંડીની નદી બેકાંઠે વહેતી હતી. સ્ટ્રોન્ગ કરન્ટને કારણે પાંચ અને છ જુલાઈએ ત્રણ છોકરા નદીના પાણીમાં તણાઈ ગયા હતા.

પાણીમાં તણાઈને ત્રણમાંથી બે છોકરાના મૃતદેહ 80 કિલોમીટર દૂર પાલઘર જિલ્લા તરફ ગયા હતા. શુક્રવારે બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહ અત્યંત કોહવાયેલી સ્થિતિમાં હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસના જણાવ્યા મુજબ છોકરા નદીના પાણીમાં તણાયાની માહિતી મળતાં ભિવંડી પોલીસે ફાયર બ્રિગેડ અને ડીઝાસ્ટર મૅનેજમેન્ટના અધિકારીઓની મદદથી રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતું, પરંતુ તે સમયે છોકરાઓની કોઈ ભાળ મળી નહોતી.

બન્નેનાં શબ પોસ્ટમોર્ટમ માટે પાલઘરની સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં. બન્નેના પરિવારજનોને તેમની ઓળખની ખાતરી કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. એનડીઆરએફની મદદથી ગુમ ત્રીજા છોકરાની શોધ ચલાવાઈ રહી છે. (પીટીઆઈ)