મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ અંગેનો અંતિમ અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે.
આ વર્ષે ૨૮ જાન્યુઆરીએ થયેલા વિમાન ક્રેશમાં અજિત પવાર અને અન્ય ચાર લોકોનું મૃત્યુ થયું હતું, જેના પગલે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ તપાસ શરૂ કરી હતી.
વિધાનસભામાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અંતિમ સપ્તાહના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં ફડણવીસે જણાવ્યું હતું કે, એએઆઇબી આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં પોતાનો અંતિમ અહેવાલ સુપરત કરે તેવી અપેક્ષા છે.
તેમણે કહ્યું કે, પ્રાથમિક અહેવાલ ઓલરેડી મળી ચૂક્યો છે અને તપાસકર્તાઓએ એરક્રાફ્ટના બ્લેક બોક્સના ડેટા સહિતના ડિજિટલ પુરાવાઓ એકત્રિત કરીને તેની પુનઃરચના કરી છે. "સરકાર આગળનો કોઈ પણ નિર્ણય લેતા પહેલા એએઆઇબી ના અંતિમ તારણોની રાહ જોશે," તેમ તેમણે ભાર મૂકતા જણાવ્યું હતું.
એએઆઇબી તપાસનો ઉલ્લેખ કરતા ફડણવીસે જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન બેંક ખાતા, વીમા પોલિસી અને શેરબજારના વ્યવહારો સહિતના નાણાકીય રેકોર્ડ્સની તપાસ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી કંઈ પણ શંકાસ્પદ જણાયું નથી. તેમણે ઉમેર્યું હતું કે, ઉપલબ્ધ પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને સરકાર અંતિમ તપાસ અહેવાલ મળ્યા પછી જ આગળની કાર્યવાહી કરશે.