મેનહોલની ફરિયાદ માટે સ્વતંત્ર વોટ્સએપ ચૅટબૉટ નંબર શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ગયા અઠવાડિયે કુર્લામાં ખુલ્લા મેનહોલમાં સિનિયર સિટિઝન પડી જવાથી તેમના થયેલા મૃત્યુને પગલે ચોતરફથી ટીકાનો ભોગ બનેલી રેઢિયાળ કારભાર કરનારી મુંબઈ મહાનગરપાલિકાએ હવે પોતાની જવાબદારી પણ મુંબઈગરાને માથે નાખી દીધી છે. ખુલ્લા, તૂટેલા અને ગાયબ થઈ ગયેલા મેનહોલ દેખાય તો તેની ફરિયાદ કરવાની અપીલ મુંબઈના નાગરિકોને કરી છે. તે માટેની ફરિયાદ કરવા માટે અલાયદો વોટ્સઍપ ચૅટબૉટ નંબર શરૂ કરવામાં આવ્યો છે.
મેનહોલની ફરિયાદો માટે અલગ વોટ્સએપ ચેટબોટ (૯૩૨૪૫૦૦૬૦૦) શરૂ કરવામાં આવ્યો છે. પાલિકા પ્રશાસને નાગરિકોને ફરિયાદની ઝડપી નોંધણી અને તાત્કાલિક નિવારણ માટે વધુ કાર્યક્ષમ અને પારદર્શક ફરિયાદ કરવા વ્યવસ્થા ઊભી કરી આપી છે, જેમાં નાગરિકો વિવિધ ડિજિટલ ચેનલો દ્વારા ખુલ્લા, તૂટેલા ગાયબ થયેલા મેનહોલના ઢાંકણા સંબંધિત ફરિયાદ અને અન્ય નાગરિક ફરિયાદો સરળતાથી નોંધાવી શકશે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે નાગરિકોએ સંબંધિત વોટ્સએપ નંબર પર સંદેશ મોકલીને વાતચીત શરૂ કરવાની રહેશે. પછી ‘ફરિયાદ સબમિટ કરો’ એવો વિકલ્પ પસંદ કરીને ઘટનાનું સ્થાન શેર કરવાનું રહેશે. સાથે જ સમસ્યાનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. ફરિયાદ નોંધણી પૂર્ણ થયા પછી, નાગરિકને વધુ ફોલો-અપ માટે ફરિયાદ નોંધણી નંબર પ્રાપ્ત થશે.
માય બીએમસી માર્ગ પર કરો ફરિયાદ
નાગરિકોએ પહેલા ‘માય બીએમસી માર્ગ’ એપ ખોલવાની રહેશે અને તેમના મોબાઇલ નંબર અને ઓટીપીથી લોગ ઇન કરવાનું રહેશે પછી ‘ન્યુ રજિસ્ટ્રેશન’ આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. બાદમાં ફરિયાદનો પ્રકાર પસંદ કરવાનો રહેશે. જો જરૂરી હોય તો સમસ્યાનું ટૂંકું વર્ણન આપવાનું રહેશે. સંબંધિત સ્થાનનો હાલનો ફોટોગ્રાફ અપલોડ કરવોે અથવા જીઓ-ટેગ કરેલો ફોટોગ્રાફ લઈને તેને અપલોડ કરવાનો રહેશે. ફરિયાદ સબમિટ કર્યા પછી નાગરિકને વધુ ફોલો-અપ માટે ફરિયાદ નોંધણી નંબર પ્રાપ્ત થશે.
અહીં પણ ફરિયાદ કરી શકો છો
મુંબઈગરા ‘માય બીએમસી માર્ગ’ ની સાથે જ મેનહોલ ચેટબોટ ઉપરાંત વોટ્સએપ ચેટબોટ (૮૯૯૯૨૨૮૯૯૯), સત્તાવાર વેબસાઇટ અને ૧૯૧૬ હેલ્પલાઇન દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકે છે. વોટ્સએપ ચેટબોટ (૮૯૯૯૨૨૮૯૯૯) પર ફરિયાદનું સ્થાન અને ફોટોગ્રાફ મોકલીને ફરિયાદ નોંધાવી શકાય છે. ખાડાઓ અંગે ફરિયાદ નોંધાવવા માટે, ‘ખડ્ડા’ અથવા ‘ખ’ સંદેશ મોકલવાનો રહેશે, જ્યારે ગટરના કવર અંગે ફરિયાદો માટે, ‘મેનહોલ’ અથવા ‘મ’ સંદેશ મોકલવાનો રહેશે. નાગરિકો પાલિકાની વેબસાઇટ portal.mcgm.gov.in પર ફરિયાદ નોંધાવી શકે છે.૧૯૧૬ હેલ્પલાઇન પર કોલ કરીને અને ફરિયાદની વિગતો આપીને પણ ફરિયાદ નોંધાવી શકાય છે.જ્યાં ફોટોગ્રાફની જરૂર હોય, ત્યાં નાગરિકોને જીઓ-ટેગ કરેલ ફોટોગ્રાફ અપલોડ કરવા અથવા લેવા માટે એક લિંક મોકલવામાં આવે છે.