વાંચવું હોય કે લખવું હોય... આજની ડિજિટલ દુનિયા અતિ ઝડપથી કાગળરહિત થઈ રહી છે. મોબાઈલ- આઈપેડ - લેપટોપ કે ડેસ્કટોપ જેવાં લેટેસ્ટ સાધન આવી ગયાં, છતાં લખવાની વાત આવે ત્યારે અસંખ્યના હાથમાંથી કાગળ-પેન છૂટતાં નથી. આવું કેમ. નવાં સંશોધન શું સૂચવી રહ્યાં છે ?!
ક્લોઝ અપ - ભરત ઘેલાણી
કાન્તિ ભટ્ટ, વર્ષા અડાલજા, બચી કારકરિયા
વર્ષો સુધી હાથથી અહેવાલ કે પોતાની કોલમ લખતા અમારા એક વરિષ્ઠ પત્રકાર મિત્રએ થોડા સમયથી નાનું-નમણું લેપટોપ વસાવ્યું છે. આમ તો પેન-કાગળ પર લખતા લોકોને ડેસ્કટોપ કે લેપટોપ પર જલદી કી-ઈન કરતાં-શબ્દો ટાઈપ કરવા ફાવે નહીં.
એમાંય સીધું ગુજરાતીમાં લખવું અમારા મિત્રને આકરું પડતું. લખવાનું માધ્યમ નવું હોય તો શરૂ શરૂમાં આવી તકલીફ તો દરેકને પડે. એમાં અભ્યસ્ત થતા થોડી વાર લાગે એ વાત તો અમારા મિત્ર પણ જાણે, પણ અહીં વિધિની વક્રતા એ છે કે અમારા બધા કરતાં એ વધુ ડિજિટલ ફ્રેડલી છે. મોબાઈલ ફોનની નવી નવી ઍપ્સના-જાતભાતના પ્રોગ્રમના એ બાદશાહ, પણ જેવી લેપટોપ પર માતૃભાષામાં લખવાની વાત આવી તો એ ઢીલાઢફ... એમાંય લેપટોપ પર જોઈતી ફાઈલ-ફોલ્ડર ન મળે કે કી-ઈન કરેલું લખાણ જાણે પેલા કે.લાલ જેવા જાદુગરે અલોપ કરી દીધું હોય તેમ લેપટોપની સ્ક્રીન પરથી ‘દેખતે રહે જાઓગે’ની જેમ ગાયબ થઈ જાય ત્યારે એમનો ઉચાટ વધી જાય એને એમાંય માથા પર ડેડલાઈન ભમતી હોય તો એ બડા ધૂંધવાય જાય આવી કટોકટી વચ્ચે અમારા મિત્ર તો ઘણી વાર એવો નિર્ણય સુધ્ધાં લઈ લે કે ‘તેલ પીવા જાય લેપટોપની આવી બધી માથાફોડી... લાવ, પલોઠી વાળીને જમીન પર બેસી જાઉં ને ખોળામાં ઓશિકું ને રાઈટિંગ પેડ ગોઠવી માંડુ પેનથી ફટાફટ લખવા!’
આમ તો આયુની અર્ધ-શતાબ્દી વટાવી ગયેલી અમારા જેવા પત્રકાર- લેખકની જે પેઢીએ પાટી-પેન કે કાગળ-પેન્સિલથી અક્ષરજ્ઞાનનો આરંભ કર્યો છે એમાંથી ઘણા ખરા આજે ડેસ્કટોપ કે લેપટોપ તરફ વળી ગયા છે. અપવાદરૂપ હજુ કેટલાય પેન-કાગળના આગ્રહી છે. નાનપણથી કાગળ-પેન સાથે જેમને જે સહજતાથી અક્ષર પાડવાની આદત પડી ગઈ એ બધા એને જલદી છોડવા અવઢવ અનુભવે એ સમજી શકાય. એમને ડેસ્કટોપ કે લેપટોપ જેવું સાધન નડતરરૂપ લાગે છે.
ગુજરાતી પત્રકારત્વને એક નવી દિશા આપનારા અનુભવસિદ્ધ પત્રકાર કાન્તિ ભટ્ટ આમ તો પોતાના ડેસ્કટોપ પર ખાખાંખોળા કરી જોઈતી માહિતીની શોધી લેતા, પણ જેવી કમ્પ્યુટર પર લેખ લખવાની વાત આવે તો કાન્તિભાઈ હાથ ઊંચા કરી દેતા અને કહેતા : ‘હાથથી લખીને જે ઝડપે પોતાના વિચાર વ્યકત કરી શકાય એ ટાઈપ કરવા જતાં વિચાર રુંધાઈ જાય છે-અભિવ્યક્તિમાં અવરોધ આવે છે મારા માટે તો પેન કાગળ જ ધે બેસ્ટ છે !’ એવી દલીલ એમની રહેતી અને છેલ્લાં શ્વાસ સુધી એમણે પેન કાગળ સાથેની પોતાની પ્રીત નીભાવી...
પેન-કાગળની ચાહતમાંથી હજુ જે છૂટી નથી શક્યાં એમાંનાં એક છે વિખ્યાત લેખિકા વર્ષાબહેન અડાલજા. 85 વર્ષીય વર્ષાબહેનના અત્યાર સુધીમાં નવલકથા-વાર્તાસંગ્રહ, ઈત્યાદિનાં 56થી વધુ પુસ્તક પ્રગટ થઈ ચૂકયાં છે અને એ બધાં પોતાના હાથે પેનથી કાગળ પર સાકાર થયાં છે ! આજે કોઈ પણ ડિજિટલ સાધન વિના એ આખી નવલકથા સળંગ હાથે લખે પછી એમાં જોઈતાં સુધારા-વધારા સાથે મઠારીને ફરી એક વાર એ જ નોવેલની ફાઈનલ હસ્તપ્રત તૈયાર કરે.!
આટલી બધી જહેમત એ કમ્પ્યુટરની મદદથી ટાળી શકે-સમય પણ બચાવી શકે, છતાં વર્ષાબહેન કહે છે : ‘એ ખરું, પણ છેક મુગ્ધાવસ્થાથી હું જે પેન-કાગળના ‘પ્રેમ’માં પડી છું એમાંથી આજે પણ મુક્ત નથી થઈ શક્તી ને મારે થવું પણ નથી. સામે કોરાં કાગળની થપ્પી પડી હોય ને હાથમાં પેન હોય પછી એ બન્નેના સ્પર્શથી શબ્દોની જે સ્ફૂરણા જાગે એ અલૌકિક છે..!’
‘આજે નહીં-કાલે, વય વધતાં હાથ કામ નહીં કરે ત્યારે?’
એના જવાબમાં પોતાનું લાક્ષણિક સ્મિત ફરકાવતાં વર્ષાબહેન કહે છે : ‘ ત્યારની વાત ત્યારેદેખા જાયેગા !’
એવું નથી કે વર્ષાબહેનને લેપટોપ કે આઈ-પેડ જેવાં સાધન વાપરવામાં કોઈ તકનિકી તકલીફ થાય છે. એમને જરૂર પડે તો મોબાઈલ પર જોઈતી ભાષા બોલીને લખવાની ફાવટ પણ એમણે કેળવી લીધી છે. આમ છતાં એ ભલાં ને ભલાં એમનાં પેન-કાગળ!
આવી જ રીતે પેન કાગળ કે લેપટોપ જેવી ત્રિશંકુ સ્થિતિમાં અટવાયાં હતાં પ્રસિદ્ધ પત્રકાર લેખિકા બચી કારકરિયા. પત્રકાર ક્ષેત્રે અનેક આંતરરાષ્ટ્રીય સ્કોરલરશિપ અને અવોર્ડ્સ મેળવનારાં આ પારસી બાનુ શરૂઆતથી હાથેથી અંગ્રેજીમાં લખે. લેપટોપની લપથી એ દૂર ભાગતાં. આખરે પલટાતાં સમયની સાથે બહુ મોડે મોડે એમણે લેપટોપ અપનાવી લીધું અને હવે થોડા અફસોસ સાથે આનંદથી કહે છે : ‘મેં પેન કાગળ પાછળ ખાસ્સો સમય વીતાવ્યો, જો પહેલેથી લેપટોપ પર આવી ગર્યું હોત તો ઓછા સમયમાં વધુ સર્જન કરી શકી હોત ...!’
આથી તદન વિપરિત વાત છે મુંબઈના જાણીતા સાહિત્ય મર્મજ્ઞ -સમીક્ષક એવા પ્રોફેસર દીપકભાઈ મહેતાની. પેન-કાગળના વર્ષો જૂના ચાહક એવા દીપકભાઈએ 86 વર્ષે પણ આજની ડિજિટલ સેવિ યુવા પેઢીનેય ઈર્ષા આવે એવી દોસ્તી ડેસ્કટોપ સાથે સરસ દોસ્તી કરી લીધી છે. છેલ્લાં 14-15 વર્ષથી મોબાઈલ પર બોલીને કે ડેસ્કટોપ પર કી-ઈન કરીને પોતાના લેખ નિયમિત લખે છે !
જો કે આ બધા વચ્ચે ‘વોશિંગ્ટન યુનિવર્સિટી’ સાથે સંકળાયેલા સાઈકોલોજીના પ્રોફેસર વર્જિનિયા બરેનિંગર પણ હેન્ડરાઈટિંગના સમર્થક છે. એમના કહેવા મુજબ કાગળ પર લખવાથી યાદ કરવા ને એને સમજવાની ક્ષમતામાં સારો એવો સુધારો થાય છે. એમના અભ્યાસ મુજબ કાગળ પર અક્ષર-શબ્દો મંડાય તેનાથી જટિલ આઈડિયા-વિચાર સમજવા વધુ સરળ થાય છે...લેકચર ચાલુ હોય એ વખતે જે વિદ્યાર્થી નોટબુક પર નોંધ લે છે એને પાછળથી પણ લેકચર સમજવામાં મદદ મળે છે અને પરીક્ષામાં પણ સારા માર્ક્સ આવે છે...
હા, કાગળ-પેનની ફાવટવાળા પણ આજના યુગમાં લેપટોપ કે ડેસ્કટોપ જેવાં સાધનની ઉપયોગિતા સમજે છે. એમાં ફાવટ આવી જાય તો લેખનની ઝડપ- એનાં પ્રકાશનની કામગીરી તથા એની ડિજિટલ સાચવણી, વગેરેની વાત સ્વીકારે પણ છે, છતાંય...
ખેર, આ કાગળ-પેન કે કમ્પ્યુટરની ખૂબી-ખામીની ચર્ચા ચાલતી રહેશે. પણ તાજેતરમાં જ એક સર્વેક્ષણનું બહુ રસપ્રદ તારણ આવ્યું છે.
ક્મ્પ્યુટરના આગમન સાથે હાથથી લખવાની ક્રિયા- પ્રક્રિયાને ભલે ગ્રહણ લાગી ગયું, પણ અમેરિકાની જાણીતી
‘જોન્સ હોપક્ધિસ યુનિવર્સિટી’ના બે વરિષ્ઠ પ્રોફેસર ડૉ. રોબર્ટ વિલી અને બ્રેન્ડા રાપની સંશોધન ટીમે થોડા સમય પહેલાં કેટલાંક તલસ્પર્શી પ્રયોગ કર્યા. 42 લોકોને એમણે ત્રણ ગ્રૂપમાં વિભાજિત કર્યા. એમાંથી એક ગ્રૂપ હાથથી લખવાવાળું, બીજું કમ્પ્યુટર પર ટાઈપ કરનારું અને ત્રીજું હતું વીડિયો જોનારું ગ્રૂપ..
એ ત્રણેયને પછી વિભિન્ન 6 તબક્કામાં અરબી બારાખડી ભણાવામાં આવી. એ બાદ, ત્રણેય ગ્રૂપની ટેસ્ટ થઈ તો જાણવા મળ્યું કે ટાઈપ કરનારા અને વીડિયો જોનારા જૂથની સરખામણીએ હાથથી લખનારા ઓછી ભૂલ સાથે સૌથી વધુ ઝડપે અરબી બારાખડી શીખી ગયા હતા.! આ પ્રયોગના પરિણામનું પૃથક્કરણ કરતાં બન્ને સંશોધક કહે છે કે કશું પણ નવું શીખો એને તમે પોતાના અક્ષરમાં કાગળ પર ઉતારો એ વખતે એના વિશે કુદરતી રીતે જે મનન -ચિંતન કે અન્ય પ્રતિભાવ સર્જાય એની છાપ બહુ ઝડપથી લાંબો સમય સુધી મનમાં સચવાય રહે છે. આવાં પરિણામ બીજાં બે માધ્યમમાં ઓછાં જોવાં મળે છે. આજના યુગમાં કમ્પ્યુટરની ઉપયોગિતા અનન્ય છે. આમ છતાં હસ્તાક્ષરની સચોટતા વિસરી ન જવી જોઈએ, ખાસ કરીને, ઓછી વયથી જ બાળકોને કી-ઈનના રવાડે ચઢાવવાને બદલે એમને વધુ ને વધુ હાથે લખવા પ્રોત્સાહિત કરવા જોઈએ.
કાગળ પર પેનથી 19થી વધુ સુપર સફળ નવલકથાઓ અને અન્ય પત્રકારોના હજારોની સંખ્યામાં લેખો મઠારતાં-સંપાદિત કરતાં ‘ચિત્રલેખા’ના સદગત પથદર્શક તંત્રી હરકિસન મહેતા પેન અને લેપટોપની વાત નીકળે ત્યારે માત્ર ત્રણ શબ્દમાં જ એ વાત આટોપી લેતાં કહેતા :
‘હાથે એ સાથે...!’