Fri May 01 2026

Logo

‘સ્વચ્છ અને અતિક્રમણ મુક્ત’ મુંબઈ: પાલિકા એક્શન મોડમાં ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણનો સફાયો...

2026-02-17 21:41:38
Author: sapna desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈમાં છેલ્લા અનેક દિવસોથી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મોટા પ્રમાણમાં ડિમોલીશન સહિત રસ્તા તથા ફૂટપાથ પરના અતિક્રમણને હટાવવાની સાથે મુંબઈના રસ્તાઓ તથા સાર્વજનિક સ્થળોને સ્વચ્છ રાખવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત મંગળવારે દક્ષિણ મુંબઈના અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, પાયધુની સહિત પશ્ર્ચિમ ઉપનગરમાં જોગેશ્ર્વરી અને કાંદિવલી સહિતના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં ગેરકાયદે બાંધકામ અને ગેરકાયેદસર અતિક્રમણ હટાવવાની સાથે જ ફેરિયાઓને નિશાના પર લેવામાં આવ્યા હતા.

મુંબઈમાં નવા મેયર ચૂંટાયા બાદ શહેરની ફૂટપાથ પર અતિક્રમણ કરનારા અને ગેરકાયદે ફેરિયાઓ સામેની કાર્યવાહી વધુ આકરી અને ઝડપી બનાવવામાં આવી છે. જે અંતર્ગત મુંબઈના અનેક વોર્ડમાં ડિમોલીશન અને અતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યા છે. મોહમ્મદ અલી રોડ, ભિંડી બજાર, મસ્જિદ મંદર અને ભાયખલાને જોડતી નિર્ણાયક લિંક નાગદેવી અને માંડવી પાસના ઈબ્રાહિમ મર્ચન્ટ રોડ દક્ષિણ મુંબઈનો સૌથી વ્યસ્ત અને કમર્શિયલ વિસ્તાર ગણાય છે.

આ વિસ્તારોમાં ઊભા થઈ ગયેલા અતિક્રમણ સામે પાલિકાના ‘બી’ અને  ‘સી’ વોર્ડ દ્વારા મોહમ્મદ અલી રોડ અને અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પર સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદે બાંધકામ અને અતિક્રમણનો સફાયો કરવામાં આવી રહ્યો છે, તેને કારણે રસ્તા તથા ફૂટપાથ અતિક્રમણ મુક્ત થઈને ચાલવા માટે રાહદારીઓને જગ્યા ઉપલબ્ધ થઈ છે.


મંગળવારે ‘બી’ અને  ‘સી’ વોર્ડની ટીમ દ્વારા સંયુક્ત રીતે અબ્દુલ રહેમાન સ્ટ્રીટ અને યુસુફ મહેરઅલી રોડથી મોહમ્મદ અલી રોડ સુધીના પટ્ટામાં ૧૫થી વધુ ગેરકાયદેસર રીતે વધારવામાં આવેલી દુકાનો અને ૧૦ ગેરકાયદે સ્ટોલ તોડી પાડવામાં આવ્યા હતા. પાયધુની પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પાર પાડવામાં આવી હોવાનું ‘બી’વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર યોગેશ દેસાઈએ જણાવ્યું હતું.

આ પ્રકારની કાર્યવાહી જોગેશ્ર્વરીમાં કરવામાં આવી હતી. જોગેશ્ર્વરી કેવ્સ રોડ, જોગેશ્ર્વરી પૂર્વમાં સુભાષ રોડ અને પૂનમ નગર ખાતે એસવીરોડ જેવા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. કે-ઉત્તર વોર્ડ દ્વારા લગભગ ૬૫થી ૭૦ ગેરકાયદે રીતે અંડિગો જમાવી બેસેલા ફેરિયા અને ગેરકાયદેસર રીતે રસ્તાની બંને બાજુએ ઊભા થઈ ગયેલા ઝૂંપડા પણ સાફ કરવામાં આવ્યા હતા. કાંદિવલી પશ્ર્ચિમમાં પણ બોરસપાડા રોડ પર ડિમોલીશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

પાલિકાના એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું કે પાલિકા સતત નજર રાખને ફૂટપાથ પરના અતિક્રમણ દૂર કરવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. એ સાથે જ શહેરભરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ ધૂળ-મુક્ત રસ્તાઓ, ત્યજી દેવાયેલા વાહનોને દૂર કરવા, દરરોજ ત્રણ વખત શૌચાલયની સફાઈ, ગેરકાયદે હૉર્ડિંગ સામેની કાર્યવાહી પણ ચાલુ જ રાખવામાં આવી છે.