અમદાવાદ: આજે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો છે. રાજ્યમાં સવારે ૬ વાગ્યાથી લઈને રાતના ૮ વાગ્યા સુધી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, આ 14 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 162 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. આ આંકડા દર્શાવે છે કે ચોમાસાની સીઝનમાં રાજ્યભરમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે જળવૃષ્ટિ થઈ છે.
દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં પડેલા વરસાદની વાત કરીએ તો, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 5.08 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત નવસારીના જ ચીખલીમાં 4.84 ઈંચ અને ગણદેવીમાં 3.54 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં 4.8 ઈંચ અને નાનાપોંઢામાં 3.86 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં 4.02 ઈંચ, ડાંગમાં 3.39 ઈંચ અને સુબીરમાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં પણ સારો વરસાદ રહ્યો છે, જેમાં બારડોલીમાં 3.7 ઈંચ અને પલસાણામાં 3.23 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે તાપી અને ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી
આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યના 3 જિલ્લામાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ નાઉકાસ્ટ એલર્ટ જાહેર કર્યું છે. તે સિવાય અન્ય જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આવતીકાલે વલસાડ-નવસારીમાં અતિભારે વરસાદ
હવામાન વિભાગે આવતીકાલે વલસાડ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ. પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં સરેરાશ 28.78 ટકા જેટલો વરસાદ
જો કે આ દરમિયાન અષાઢ મહિનાની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ 28.78 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 43.36 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 30.25 ટકા, પૂર્વ ગુજરાતમાં 19.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.66 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદના જુલાઇ મહિનો આવી ગયો હોવા છતાં હજુ પણ કચ્છ જિલ્લામાં માત્ર 3.42 ટકા જ વરસાદ પડ્યો છે.
સરદાર સરોવર ડેમમાં 67.77 ટકા જળસંગ્રહ
હાલની સ્થિતિએ રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 67.77 ટકા જેટલો જળસંગ્રહ છે, જ્યાં 14508.25 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 617.38 ક્યુસેક પાણીની નિકાસ કરવામાં આવી રહી છે. રાજયના અન્ય ૨૦૬ જળાશયોમાં સંગ્રહ 228184 એમસીએફટી છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 40.90 ટકા છે. રાજ્યના 6 ડેમ સંપૂર્ણ ભરાયેલ છે, 21 ડેમ 70થી 100 ટકાની વચ્ચે ભરાયેલ છે, 20 ડેમો 50 થી 70 ટકા, 53 ડેમ 25થી 50 ટકા તેમજ 106 જળાશયોમાં 25 ટકાથી નીચેનો જળસંગ્રહ છે. ડેમની સ્થિતિને ધ્યાનમાં લઈને 12 ડેમ હાઇ એલર્ટ, 2 ડેમ એલર્ટ અને 13 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.