Wed Jul 22 2026

Logo

અમિતાભ બચ્ચનની હોસ્પિટલ, સર્જરી અને ICU અંગેની બ્લોગ પોસ્ટે ચાહકોની ચિંતા વધારી...

2026-07-21 20:59:00
Author: Darshana Visaria
Article Image

એક તરફ ટીવીનો સૌથી લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ 18' (KBC 18) આગામી ૧૦ ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે અને તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, તો બીજી તરફ હોસ્ટ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની એક સોશિયલ મીડિયા પોસ્ટે તેમના ચાહકોને ભારે ચિંતામાં મૂકી દીધા છે. આવો જોઈએ આખરે એવું તે શું છે બિગ બીની પોસ્ટમાં... 

83 વર્ષીય અમિતાભ બચ્ચને પોતાના તાજેતરના બ્લોગમાં હોસ્પિટલમાં દાખલ થવા, સર્જરી, ICUમાં સમય વિતાવવા અને ઘરવાપસીની પડકારજનક પ્રક્રિયા વિશે વિસ્તારથી લખ્યું છે.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું હતું કે હોસ્પિટલમાં સર્જરી અને પછી આઈસીયુમાં, કાબિલ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ રહ્યો. ડિસ્ચાર્જ થઈ ગયો અને હવે ઘરવાપસી. ઘરવાપસીનો આ સમય શારીરિક, માનસિક અને વ્યાવહારિક રીતે સૌથી મુશ્કેલ તબક્કો હોય છે. તમે એક સન્માનિત ચેમ્પિયન હોવ છો અને એક દિવસ હાર તમારી સામે આવીને ઊભી રહી જાય છે, આ તમારી જિંદગીનો સૌથી કપરો સમય હોય છે.

તેમણે આગળ ઉમેર્યું કે કેટલાક લોકો હિંમતથી આનો સામનો કરે છે, તો કેટલાક હાર માની લે છે. જેઓ પ્રયાસ કરે છે અને હિંમત દાખવીને લડે છે, તેઓ હંમેશાં ચેમ્પિયન બની રહે છે. જ્યારે અન્ય લોકો પરિસ્થિતિ સાથે સમજૂતી કરી લે છે. દરેક વ્યક્તિ આ પોતે નક્કી કરે છે. સ્વસ્થ રહો, ખુશ રહો.

જોકે, અમિતાભ બચ્ચને પોતાના આ બ્લોગમાં એ સ્પષ્ટ નથી કર્યું કે આ સર્જરી તેમની પોતાની થઈ છે કે પછી પરિવાર અથવા કોઈ નજીકના વ્યક્તિની. સોમવારે આ બ્લોગ લખવાના એક જ દિવસ પહેલાં તેઓ પોતાના બંગલા 'જલસા'ની બહાર ચાહકોને મળ્યા હતા અને એકદમ સ્વસ્થ દેખાતા હતા. આ સિવાય કઈ બીમારી કે કારણસર સર્જરી કરાવવી પડી, તેનો ખુલાસો પણ થયો નથી. આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ સતત કમેન્ટ કરીને તેમના ખબર-અંતર પૂછી રહ્યા છે અને તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

KBC 18નું શૂટિંગ અને નવા નિયમો

આ તમામ અફવાઓ અને ચિંતાઓ વચ્ચે અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિ 18નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. તાજેતરમાં રિલીઝ થયેલા નવા પ્રોમોમાં બિગ બી કહેતા નજરે પડે છે કે આ વખતે માત્ર જવાબો યાદ રાખવાથી કામ નહીં ચાલે પણ વિચારવું પડશે, કારણ કે ખેલના નિયમો બદલાઈ ગયા છે.