Thu Jul 23 2026

Logo

સ્વેપ ફેસિલિટી હેઠળ 20.72 અબજ ડૉલરનો ફોરેક્સ આંતરપ્રવાહ

2026-07-21 19:59:04
Author: Ramesh Gohil
Article Image

ડૉલર સામે રૂપિયામાં 11 પૈસાનો સુધારો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવમાં સુધારાતરફી વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો આરંભિક તબક્કે છ પૈસા નબળો પડ્યો હતો.

જોકે, ત્યાર બાદ વૈશ્વિક બજારની અનિશ્ચિતતા સામે વિદેશી હૂંડિયામણની પ્રવાહિતાને ટેકો આપવા માટેનાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનાં સ્વેપ ફેસિલિટી પગલાં હેઠળ ગત જૂનથી અત્યાર સુધીમાં 20.72 અબજ ડૉલરનો આંતરપ્રવાહ રહ્યો હોવાના અહેવાલો વહેતા થતાં દેશની બાકી ચુકવણીની સ્થિતિને ટેકો મળે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સત્રના અંતે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે 11 પૈસાના સુધારા સાથે 96.25 ના મથાળે બંધ રહ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 96.36ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 96.41ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.42 અને ઉપરમાં 96.13 સુધી મજબૂત થયા બાદ અંતે 10 પૈસાના સુધારા સાથે 96.26ની સપાટીએ બંધ રહ્યો હતો.નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં છ પૈસાનો ઘટાડો આવ્યો હતો. 

દરમિયાન ગઈકાલે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે વિદેશી હૂંડિયામણના આંતરપ્રવાહને પ્રોત્સાહિત કરવા માટે ગત આઠમી જૂનથી શરૂ કરવામાં આવેલી ક્નસેશનલ સ્વેપ ફેસિલિટી હેઠળ ગત 17મી જુલાઈ દરમિયાન 20.72 અબજ ડૉલરનો આંતરપ્રવાહ રહ્યો છે. જેમાં એફસીએનઆર (બી) હેઠળ સૌથી વધુ 17.406 અબજ ડૉલરનો, ઓવરસીઝ ફોરેન કરન્સી બોરોઈંગ (ઓએફસીબી) હેઠળ 1.97 અબજ ડૉલરનો અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ (ઈસીબી) હેઠળ 1.342 અબજ ડૉલરનો આંતરપ્રવાહ આકર્ષાયો હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.03 ટકા ઘટીને 100.91 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, પરંતુ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.25 ટકા વધીને બેરલદીઠ 89.44 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ 238.41 પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 50.80 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1121.04 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ ઉમેર્યું હતું.