Wed Jul 22 2026

Logo

દક્ષિણ ગુજરાતમાં અષાઢી માહોલઃ વાંસદામાં સૌથી વધુ વરસાદ, દમણગંગા-કાવેરી નદીઓ ગાંડીતૂર

2026-07-21 20:46:00
Author: Devayat Khatana
Article Image

નવસારી, વલસાડ અને સુરતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત; તડકેશ્વર મંદિર પાણીમાં ગરકાવ

અમદાવાદ: આજે ગુજરાતના અનેક જિલ્લામાં અષાઢી માહોલ જામ્યો છે. રાજ્યમાં સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભારે મહેર કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા મુજબ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૪.૮૮ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, નવસારીના જ ચીખલી તાલુકામાં પણ ૪.૦૨ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં વલસાડના કપરાડામાં ૩.૮૬ ઈંચ અને ડાંગના વઘઈમાં ૩.૬૬ ઈંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.

વાપીમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત

આ ૧૨ કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ ૧૪૫ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો છે, જેમાં બારડોલીમાં ૩.૫૮ ઈંચ અને પલસાણામાં ૩.૨૩ ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે નવસારી જિલ્લાના ગણદેવીમાં ૩.૪૬ ઈંચ, નવસારી તાલુકામાં ૩.૩૧ ઈંચ અને જલાલપોરમાં ૩.૧૧ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત અને નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે સ્ટેટ હાઇવે પર કારણે પાણી ભરાયા છે. તેના સિવાય વલસાડ જિલ્લાના વાપીમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદને કારણે વલસાડમાં વ્યાપક પાણી ભરાઈ ગયા છે. પાણીનું સ્તર વધતાં મધુબન ડેમ દ્વારા દમણગંગા નદીમાં 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

કાવેરી નદી બેકાંઠે વહેતા સ્થાનિકો ચિંતામાં

વલસાડના નાનાપોંઢામાં પણ ૩.૨૭ ઈંચ વરસાદ ખાબકતા મોટાભાગના આંકડાઓ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હાજરીની સાબિતી આપે છે. દક્ષિણ ગુજરાતના લગભગ 39 જેટલા તાલુકામાં પોણા ઇંચથી લઈને પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તે ઉપરાંત પોરબંદર, મોરબી, આણંદ, રાજકોટ, સાબરકાંઠા, ભાવનગર સહિતના જિલ્લામાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે કાવેરી નદી ઓવરફ્લો થઈ ગઈ છે જેના કારણે તડકેશ્વર મહાદેવ મંદિર આંશિક રીતે નદીમાં પ્રવાહમાં ડૂબી ગયું છે અને 81 આંતરિક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.  

રાજ્યમાં સરેરાશ 28.78 ટકા જેટલો વરસાદ

જોકે આ દરમિયાન અષાઢ મહિનાની સ્થિતિએ રાજ્યમાં સરેરાશ 28.78 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 43.36 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 30.25 ટકા, પૂર્વ ગુજરાતમાં 19.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.66 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદના જુલાઇ મહિનો આવી ગયો હોવા છતાં હજુ પણ કચ્છ જિલ્લામાં માત્ર 3.42 ટકા જ વરસાદ પડ્યો છે. 

સરદાર સરોવર ડેમમાં 67.77 ટકા જળસંગ્રહ

હાલની સ્થિતિએ રાજ્યના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 67.77 ટકા જેટલો જળસંગ્રહ છે, જ્યાં 14508.25 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 617.38 ક્યુસેક પાણીની નિકાસ કરવામાં આવી રહી છે. રાજયના અન્ય ૨૦૬ જળાશયોમાં સંગ્રહ 228184 એમસીએફટી છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 40.90 ટકા છે. 

રાજ્યના 6 ડેમ સંપૂર્ણ ભરાયેલ છે, 21 ડેમ 70થી 100 ટકાની વચ્ચે ભરાયેલ છે, 20 ડેમો 50 થી 70 ટકા, 53 ડેમ 25થી 50 ટકા તેમજ 106 જળાશયોમાં 25 ટકાથી નીચેનો જળસંગ્રહ છે. ડેમની સ્થિતિને ધ્યાનમાં લઈને 12 ડેમ હાઇ એલર્ટ, 2 ડેમ એલર્ટ અને 13 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.