અમદાવાદઃ ગુજરાતી ગીતોની ગાયિકા કિંજલ રબારી રવિવારે પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે ગઈ હોવાના તેનાં ખુલાસા બાદ તેનાં પિયરના ગામ રાધનપુરા-સિનાડ (પાટણ)માં માહોલ બગડ્યો હતો. તેનાં લગ્નનો વિવાદ ફરી ઊજાગર થતાં પોલીસે અહીં બંદોબસ્ત ગોઠવ્યો હતો. જોકે મળતા અહેવાલો અનુસાર અહીં પીએસઆઈ એચ.વી.ચૌધરી સહિતના પોલીસકર્મીઓ પર લગભગ 50 જણાના ટોળાએ હુમલો કર્યો હતો.
મળતી વિગતો અનુસાર શ્રાવણ મહિનાનો સોમવાર અને એકાદશી હોવાથી લોકો લાખનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા. દરમિયાન દેસાઈ સમાજના લોકોએ ચૌધરી સમાજના લોકોને મંદિર તરફ દર્શન કરવા જતા કથિત રીતે રોક્યા હતા. અહીં હાજર પોલીસ અધિકારીઓ, કર્મચારીઓએ શ્રદ્ધાળુઓને ન રોકવા અને દર્શન કરવા જવા દેવા માટે સમજાવ્યા હતા, પરંતુ તેઓ ન માનતા તેમણે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.
જ્યારે સિંગરે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખ્યો હોવાની માહિતી પણ સૂત્રોએ આપી હતી. જેમાં પરિવારે બળજબરીથી મુકેશ દેસાઈ સાથે લગ્ન કરાવ્યા હોવાનું અને પતિ મુકેશ બળજબરી કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર મહેસાણા વડવાળા છાત્રાલય ખાતે રબારી સમાજે એક બેઠક યોજી હતી અને જેમાં બન્ને જ્ઞાતિ સામ-સામે ન આવી જાય તેવી ચર્ચા થઈ હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
કિંજલ રવિવારે ચાંદખેડાથી એક કારમાં બેસી ગઈ હતી. પહેલા તેનાં અપહરણના સમાચાર વહેતા થયા હતા, પરંતુ પછીથી તેણે વીડિયો ક્લિપ જાહેર કરી પોતે મરજીથી પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે ગઈ હોવાનું જણાવ્યું હતું.