Mon Sep 07 2026

Logo

વરસાદ ખેંચાતા પાક સૂકાયો તો ખેડૂતે ખેતરમાં પોતે જ ગાયોને ચરાવવા છોડી દીધી

2026-09-07 17:10:00
Author: Pooja Shah
વરસાદ ખેંચાતા પાક સૂકાયો તો ખેડૂતે ખેતરમાં પોતે જ ગાયોને ચરાવવા છોડી દીધી

અમરેલીઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની ભારે ઘટ છે. જુલાઈ મહિનામાં વરસાદે થોડી કૃપા કરતા ખેડૂતો ખુશ થયા અને તેમણે વાવણી કરી, પરંતુ ત્યારબાદ પૂરતો વરસાદ વરસ્યો નથી. આખો ઑગસ્ટ મહિનો અને સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું કોરું ગયું અને ખેડૂતો આકાશમાં તાકતા થાકી ગયા ત્યારે અમરેલીના સાવરકુંડલામાં એક ખેડૂતે નિરાશ થઈને પોતાનું ખેતર ગાયોને હવાલે કરી દીધું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. 

મળતી વિગતો અનુસાર સાવરકુંડલામાં મગનભાઈ ડોબરિયા નામના ખેડૂતે 15 વિધા જમીનમાં વાવણી કરી હતી. સારો વરસાદ થશે અને ખેતરમાં લીલોછમ પાક ઉગશે, તેવી આશાએ તેઓ વરસાદની રાહ જોતા હતા, પરંતુ દોઢેક મહિનાથી વરસાદનો છાંટો પણ પડયો નથી. મગનભાઈના જણાવ્યા અનુસાર જે કંઈ વાવણી કરી હતી તેનો થોડો પાક ઊભ ઊભો ધીમે ધીમે સુકાવા-મુરઝાવા લાગ્યો હતો. હવે વરસાદના એંધાણ નથી તેમ વિચારી નિરાશ થયેલા મગનભાઈએ આખરે પોતાનું ખેતર ગાયોને ચરવા માટે ખુલ્લુ મૂકી દીધું હોવાનું જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે લગભગ એકાદ લાખનો ખર્ચ કરી વાવણી કરી હતી, પરંતુ વરસાદના અભાવે પાક નિષ્ફળ જતા તેમણે આ નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્ર,કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના ઘણા ભાગોમાં વરસાદના અભાવને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. આ સાથે પીવાના પાણીની સમસ્યા પણ ડોકાઈ રહી છે. ગુજરાત સરકારે વિવિધ પગલાં લઈ ખેડૂતોને રાહત આપવાના પગલાં લીધા છે, પરંતુ વરસાદની ઘટ હાલમાં તો ખેડૂતો માટે મોટો ચિંતાનો વિષય છે.