કોલકાતા: પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાને લઈને રાજ્ય સરકારે અત્યારથી જ અનેક જાહેરાતો કરવાની શરૂઆત કરી છે. જેમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે મહાઅષ્ટમીના દિવસે રાજ્યમાં દારૂની દુકાનો અને બાર બંધ રહેશે. તેમજ દુર્ગા પૂજા અને વિસર્જન શોભાયાત્રા દરમિયાન ડીજે સંગીત વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
પરંપરાગત અને ધાર્મિક ભાવના જાળવી રાખવા અપીલ
આ ઉપરાંત મુખ્યમંત્રીએ દુર્ગા પૂજા સમિતિઓને ઉત્સવની પરંપરાગત અને ધાર્મિક ભાવના જાળવી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે મૂર્તિઓ, પંડાલો અને થીમ્સ કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે નહીં તેવી રાખવી જોઇએ.
સીએમ સુવેન્દુ અધિકારીએ વધુ જણાવ્યું હતું કે, થીમ આધારિત પૂજા ઉજવણીઓને મંજૂરી આપવામાં આવશે, પરંતુ પૂજા સમિતિઓએ થીમ પસંદ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મૂર્તિઓ, પંડાલો અને થીમ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે નહીં અથવા સનાતન પરંપરાઓને ઠેસ પહોંચાડે નહીં.
13 મુખ્ય રસ્તાઓ પૂજા સંબંધિત પ્રવૃત્તિઓને મંજૂરી નહીં
આ ઉપરાંત સરકારે પૂજા સંબંધિત કાર્યક્રમો માટે રસ્તાઓના ઉપયોગ પર પણ પ્રતિબંધો મૂક્યા છે. જેમાં આવી ઉજવણી માટે કોઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી શકાશે નહીં. કોલકાતાના 13 મુખ્ય રસ્તાઓ પર આ પ્રકારની પૂજા સંબંધિત પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. જેમાં રેડ રોડ અને કેથેડ્રલ રોડનો સમાવેશ થાય છે.
VIDEO | Kolkata: "West Bengal to ban liquor sales at shops, bars on Ashtami during Durga puja", says Bengal CM Suvendu Adhikari. pic.twitter.com/F6NR3mLSql
— Press Trust of India (@PTI_News) September 7, 2026
વિસર્જન દરમિયાન ક્રેનના ઉપયોગ પર પ્રતિબંધ
આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દુર્ગા પૂજા સમિતિઓએ લક્ષ્મી પૂજા પહેલાં નિર્ધારિત સમયમર્યાદામાં મૂર્તિ વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. તેમજ વિસર્જનની તારીખ બદલવા આવશે નહિ. તેમજ સરકારે વિસર્જન દરમિયાન ક્રેનના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કર્યો છે.
દુર્ગા પૂજા સમિતિઓને રૂપિયા 1 લાખની નાણાકીય સહાયની જાહેરાત
આ ઉપરાંત પશ્ચિમ બંગાળ સરકારે આ વર્ષે દુર્ગા પૂજા સમિતિઓને રૂપિયા 1 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ઉચ્ચ બજેટ ધરાવતી પૂજા સમિતિઓને અપીલ કરી હતી કે જો તેમને સરકારી સહાયની જરૂર ન હોય તો તેઓ સ્વેચ્છાએ ગ્રાન્ટ છોડી દે. સરકારે પૂજા સમિતિઓ માટે વીજળીના શુલ્કમાં 100 ટકા માફીની પણ જાહેરાત કરી છે.