અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મંગળવારે વડોદરા ખાતે વિવિધ કાર્યોના ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે.
વડા પ્રધાન વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ત્રણ મહત્વપૂર્ણ વિભાગો રાષ્ટ્રને સમર્પિત કરશે, જે 326 કિલોમીટર રૂટને આવરી લે છે. આ કોરિડોર રૂ. 20,700 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યા છે. જેમા સાણંદ (ઉત્તર)-મકરપુરા, ન્યુ ઉમ્બરગાંવ-ન્યુ સફાલે અને ન્યુ સફાલે-જેએનપીટી વિભાગોનો સમાવેશ થાય છે. જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ) સાથે સીધી કનેક્ટિવિટી એક્ઝિમ કાર્ગોની ઝડપી અવરજવરને સરળ બનાવશે, ઔદ્યોગિક કેન્દ્રો અને બંદરો વચ્ચે જોડાણ મજબૂત બનાવશે, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડશે અને મુંબઈના રેલ્વે નેટવર્ક પર ભીડ ઓછી કરવામાં મદદ કરશે.
વડા પ્રધાન લગભગ રૂ. 2,600 કરોડના ગુજરાત સરકારના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. જે મુખ્ય પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે તેમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ રિંગ રોડ ફેઝ-2, કડાણા ડેમ ખાતે 110 મેગાવોટનો ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે નવી ઓફિસનું બાંધકામ સામેલ છે. ઉદ્ઘાટન થનારા પ્રોજેક્ટ્સમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસ પ્રોજેક્ટ્સ અને પૂર્વ વડોદરાના 11 ગામ માટે પાણી પુરવઠા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ સાથે વડા પ્રધાન રેલવેના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને લોકાપર્ણ કરશે ,જેમાં રેલ્વે મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સમાં નવી રેલ્વે લાઇનો, ડબલિંગ અને ગેજ કન્વર્ઝન કામો સહિતના કામોનો સમાવેશ થાય છે.
રાજકીય દૃષ્ટિએ પણ આ કાર્યક્રમ મહત્વનો માનવામાં આવે છે. વડા પ્રધાન યુવાપેઢી, જેન-ઝી સાથે ખાસ સંવાદ સાધવાના છે. આ માટે ઑનલાઈન બુકિંગ પોર્ટલ પર રજિસ્ટ્રેશન એક જ કલાકમાં પણ ફુલ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વધુ યુવાઓને સમાવી શકાય તે માટે પ્રયત્નો ચાલી રહ્યા હોવાની માહિતી મીડિયાને આપી હતી.
વડા પ્રધાન બપોરે 12 વાગ્યે વડોદરા એરપોર્ટ પર આવ્યા બાદ એમએસ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં સભાને સંબોધશે. આ સભાનું સ્ટેજ વાય આકારનું બનાવાયું છે, જે આસપાસ યુવાનોને બેસાડવામાં આવશે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી.
વડા પ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં લઈ વડોદરામાં અઠવાડિયાથી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામા આવ્યું છે. સ્વચ્છતા સે સ્વાગત આ સૂત્ર હેઠળ જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો આસપાસ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સાથે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ટેકનોલોજી અને ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર સુરક્ષા માટે 2,000થી વધુ જવાનો, 11 ડીસીપી અને 17 એસીપી તહેનાત રહેશે. સભા સ્થળ પર ડ્રોનથી સતત નજર રખાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.