વડનગર: ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા શ્રાવણ માસના દર રવિવારે ઐતિહાસિક વડનગરના શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ પર ‘વડનગર શ્રાવણોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિ, સંગીત અને સંસ્કૃતિના સમન્વય સમાન આ મહોત્સવને પ્રવાસીઓનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. અને દર રવિવારે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
શિવ સંગીત આધારિત પ્રસ્તુતિઓ યોજાઈ
શ્રાવણોત્સવના પ્રથમ રવિવાર તા. 16 ઓગસ્ટ, 2026ના રોજ ગણેશ વંદના, શિવ તાંડવ, શિવ પંચાક્ષર સ્તોત્રમ, શંખ-ઘંટનાદ, વૈદિક રુદ્રપાઠ, શિવ કથા અને શિવ ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા રવિવાર તા. 23 ઓગસ્ટ, 2026ના રોજ ગણેશ વંદના નૃત્ય, સિતાર અને વાંસળીની પ્રસ્તુતિ, ક્લાસિકલ પર્ફોર્મન્સ, 'ભૂ શંભુ' કાર્યક્રમ, શિવ આરતી તથા શિવ સંગીત આધારિત પ્રસ્તુતિઓ યોજાઈ હતી.

તરણેતરના મેળાના હુડો રાસની રજૂઆત પણ કરવામાં આવી
ત્રીજા રવિવાર તા. 30 ઓગસ્ટ, 2026ના રોજ ગણેશ વંદનાથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ વડનગરના આરાધ્ય દેવ હાટકેશ્વર મહાદેવ અને વડનગરના ઐતિહાસિક મહત્વની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. શિવ સ્તુતિ, શિવ તાંડવ, ઓમકાર નાદ અને શાસ્ત્રીય સંગીત સાથે તરણેતરના મેળાના હુડો રાસની રજૂઆત પણ કરવામાં આવી હતી. શિવ ભજનો અને ગીતોએ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
There’s something special about a Shravan Sunday by the Sharmishtha Lake. 🕉️✨ With aarti, chants and the divine energy of Mahadev all around, Sharmishtha Lake felt full of devotion and joy. These are the moments that stay with you. 🙏
— Gujarat Tourism (@GujaratTourism) September 1, 2026
Missed this Sunday? Don’t miss the last… pic.twitter.com/8rsW47e9BJ
જીવંત સંગીત સાથે શિવ ભજનોની રજૂઆત કરવામાં આવી
ચોથા રવિવાર તા 6 સપ્ટેમ્બર ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં શિવ તાંડવ સ્તોત્રમ પર આધારિત પ્રભાવશાળી નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ કલાકાર દ્વારા જીવંત સંગીત સાથે શિવ ભજનોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં નૃત્યના કલાકારોએ પણ સાથ પુરાવ્યો હતો.

મહોત્સવના અંતિમ ચરણમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ૧૧ બ્રાહ્મણો અને ૧૪ કલાકારો દ્વારા શંખ નાદ, ઘંટ નાદ અને ઢોલના નાદ સાથે ગુંજાયમાન વાતાવરણમાં ભવ્ય શિવ આરતી કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન દ્વારા ગુજરાત પ્રવાસન નિગમે વડનગરની સાંસ્કૃતિક ધરોહરને વધુ એક વખત વિશ્વ ફલક પર ઉજાગર કરવાનો સફળ પ્રયાસ કર્યો છે.
આ ઉપરાંત, શર્મિષ્ઠા તળાવના પરિસરમાં કરવામાં આવેલું આકર્ષક લાઇટિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો શ્રાવણોત્સવનું વિશેષ આકર્ષણ બન્યું હતું. લાઇટિંગ અને લેસર શોના કારણે ઐતિહાસિક પરિસરને સાંજના સમયે ભવ્ય અને મનોહર દૃશ્યરૂપ મળ્યું હતું.

કુલ ચાર રવિવારે 53,515 પ્રવાસીઓની મુલાકાત
વડનગર ખાતે આયોજિત શ્રાવણોત્સવ કાર્યક્રમમાં તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ૧૦,૪૨૭ પ્રવાસીઓ, તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ૧૩,૬૪૪ પ્રવાસીઓ, તા. ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ૧૪,૦૪૮ પ્રવાસીઓ તથા તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ૧૫,૩૯૬ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આમ, ચારેય રવિવાર દરમિયાન કુલ ૫૩,૫૧૫ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

શ્રાવણોત્સવ સાથે વડનગરની વિરાસતની મુલાકાત
શ્રાવણોત્સવની મુલાકાત સાથે પ્રવાસીઓ હાટકેશ્વર મહાદેવ મંદિર, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાના-રીરીની સમાધિ તેમજ વડનગરના ઐતિહાસિક અને પુરાતત્વીય મ્યુઝિયમ જેવા સ્થળોની મુલાકાત લઈ વડનગરની સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતનો અનુભવ કરી શકે છે.