Mon Oct 05 2026

Logo

આવતીકાલથી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ! જાણો આઠ દિવસના કઠોર નિયમો, કલ્પસૂત્ર વાંચન અને સંવત્સરીની તારીખ

2026-09-07 21:40:00
Author: Darshana Visaria
આવતીકાલથી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ! જાણો આઠ દિવસના કઠોર નિયમો, કલ્પસૂત્ર વાંચન અને સંવત્સરીની તારીખ

Ai Image


જૈન ધર્મના સૌથી પવિત્ર અને આલૌકિક તહેવાર 'પર્યુષણ મહાપર્વ' (Paryushana Mahaparva 2026)નો મંગળવાર, આઠમી સપ્ટેમ્બર, 2026થી ભક્તિભાવપૂર્વક પ્રારંભ થઈ રહ્યો છે. જૈન પરંપરામાં પર્યુષણને તહેવારોનો રાજા એટલે કે 'પર્વાધિરાજ' કહેવામાં આવે છે. આ દિવસો ઉત્સવ કે ઉજવણીના નહીં પરંતુ આત્મનિરીક્ષણ, તપસ્યા, સંયમ, મૌન અને ક્ષમાપનાના દિવસો છે.

શ્વેતાંબર જૈન સમુદાય દ્વારા આઠ દિવસીય પર્યુષણ પર્વ આવતીકાલ એટલે કે આઠમી સપ્ટેમ્બરથી 15મી સપ્ટેમ્બર 2026 સુધી મનાવવામાં આવશે, જ્યારે દિગંબર પરંપરામાં 10 દિવસીય 'દશલક્ષણ પર્વ' તરીકે તેની આરાધના થશે.

પર્યુષણ મહાપર્વનું આધ્યાત્મિક મહત્વ:
સંસ્કૃત શબ્દ 'પરિ' (ચારે બાજુથી) અને 'ઉષણ' (વાસી રહેવું) મળીને પર્યુષણ બને છે, જેનો અર્થ થાય છે પોતાના આત્માની નજીક રહેવું અને કષાયો (ક્રોધ, માન, માયા, લોભ)નો ત્યાગ કરવો. આ આઠ દિવસો દરમિયાન જૈન ઉપાશ્રયો અને જિનાલયોમાં તીર્થંકર ભગવંતોના જીવનચરિત્ર દર્શાવતા પવિત્ર ગ્રંથ 'શ્રી કલ્પસૂત્ર'નું વાંચન અને મહાવીર જન્મવાંચન ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે.

પર્યુષણના મુખ્ય વ્રત-નિયમો અને તપસ્યા:
ઉપવાસ અને આયંબિલ: શ્રાવકો આ દિવસોમાં અઠ્ઠાઈ (૮ ઉપવાસ), એકાસણા, બિયાસણા, આયંબિલ અને પૌષધ જેવા કઠોર તપ કરે છે. જીવહિંસાથી બચવા માટે પર્યુષણ દરમિયાન લીલા શાકભાજી, ફળો અને જમીનકંદ (બટાટા, ડુંગળી, લસણ)નો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. સૂર્યાસ્ત પછી ભોજન-પાણીનો ત્યાગ (ચૌવિહાર) પાળવામાં આવે છે. સવારે અને સાંજે દિવસ દરમિયાન જાણે-અજાણે થયેલા પાપોની આલોચના માટે બંને ટાઈમ 'પ્રતિક્રમણ' કરવામાં આવે છે.

સંવત્સરી અને વૈશ્વિક ક્ષમાપના (મિચ્છામિ દુક્કડમ્):
પર્યુષણનો અંતિમ દિવસ એટલે કે 'સંવત્સરી', જેને મહાપર્વનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. સંવત્સરીના દિવસે જૈન ધર્માનુયાયીઓ નાના-મોટા તમામ જીવો અને સ્વજનો સમક્ષ હાથ જોડીને કહે છે મિચ્છામિ દુક્કડ્ડમ્...

"ખામોમી સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મે। મિત્તિ મે સવ્વ ભુયેસુ, વેરં મજ્ઝં ન કેણઈ॥"
(હું વિશ્વના તમામ જીવોને ક્ષમા કરું છું અને તમામ જીવો મને ક્ષમા કરે, મારે બધા સાથે મિત્રતા છે, કોઈ સાથે વેર નથી.)