Sat Sep 05 2026

Logo

સમલૈગિંક સંબંધની વારંવારની માગણીથી કંટાળી સહકર્મીની હત્યા કરીને મૃતદેહ જંગલમાં ફેકી દીધો

2026-07-21 21:14:49
Author: Yogesh D. Patel
સમલૈગિંક સંબંધની વારંવારની માગણીથી કંટાળી સહકર્મીની હત્યા કરીને મૃતદેહ જંગલમાં ફેકી દીધો

મુંબઈ: થાણે જિલ્લાના કલ્યાણ તાલુકામાં સમલૈંગિક સંબંધની વારંવારની માગણીથી કંટાળીને 42 વર્ષના સહકર્મીની હત્યા કર્યા બાદ મૃતદેહને જંગલમાં ફેંકી દેનારા ખાનગી કંપનીના બે કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. મુરબાડમાં રહેનારા બંને આરોપીએ સહકર્મીની હત્યા કર્યા બાદ તેના દાગીના ચોરી લીધા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરેલા બંને આરોપીની ઓળખ સૌરભ વિશ્ર્વનાથ ગોલ્હે (24) અને જ્ઞાનેશ્ર્વર દત્તાત્રય કંઠે (28) તરીકે થઇ હતી. કોર્ટે બંનેને પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.

કલ્યાણ-અહિલ્યાનગર માર્ગ પર મમનોલી ગામની હદમાં જંગલ વિસ્તારમાં 28 જૂને અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. કલ્યાણ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપીઓમાં પકડવા પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની છ ટીમ તૈયાર કરવામાં આવી હતી. 

તપાસ દરમિયાન મૃતકની ઓળખ કિશોરચંદ્ર કાર્તિક સાહુ (42) તરીકે થઇ હતી, જે મુરબાડમાં રહેતો હતો અને ત્યાંની ખાનગી કંપનીમાં કામ કરતો હતો. પોલીસે ત્યાર બાદ ઘટનાસ્થળ તેમ જ મૃતક જે કંપનીમાં કામ કરતો હતો ત્યાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને ટેક્નિકલ બાબતોને અભ્યાસ કર્યા બાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી.

આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે મૃતક કિશોરચંદ્ર સમલૈગિક સંબંધની વારંવાર માગણી કરતો હોવાથી કંટાળીને તેને જંગલમાં લઇ જવાયો હતો, જ્યાં તેની હત્યા કરવામાં આવ્યા બાદ તેના દાગીના તેમણે ચોરી લીધા હતા.