સુધારિત પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં આવેલા મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં ઐતિહાસિક સભાગૃહમાં થનારી સામાન્ય સભા ભવિષ્યમાં હવે નવા સભાગૃહમાં યોજાશે. મુંબઈના નગરસેવકોની સંખ્યા વધવાની સાથે જ અધિકારીઓ અને કર્મચારીઓ માટે અપૂરતી જગ્યા હોવાથી તેમ જ ભવિષ્યમાં નગરસેવકોની સંખ્યામાં હજી વધારો થવાની શક્યતાને પગલે પાલિકા મુખ્યાલયની સામે આવેલા જિમખાનાની બિલ્ડિંગમાં નવું સભાગૃહ બનાવવામાં આવવાનું છે.
બહુ જલદી તેનો સુધારિત અંતિમ પ્લાન તૈયાર કરીને તેને સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવવાનો છે. નવા સભાગૃહમાં ૩૩૦ લોકો બેસી શકે એ પ્રમાણેની વ્યવસ્થા રહેશે. પાંચ માળના બાંધકામનો ખર્ચ લગભગ ૩૦ કરોડ રૂપિયાની આસપાસ થવાનો અંદાજો છે.
ભવિષ્યમાં જનપ્રતિનિધિઓની સંખ્યામાં વધારો થવાની શક્યતાને કારણે પાલિકા મુખ્યાલયની સામે આઝાદ મેદાનને અડીને આવેલા જિમખાના બિલ્ડિંગની જગ્યાએ નવા સભાગૃહ માટે ભાજપ આગ્રહ રાખી રહ્યું છે. જિમખાના બિલ્ડિંગની જગ્યાએ નવો મ્યુનિસિપલ હોલ બનાવવામાં આવશે. અગાઉ જોકે જીમખાના બિલ્ડિંગમાં વિવિધ સુવિધાઓ સાથે ટાઉન હોલ બનાવવામાં આવવાનો હતો અને તેને લગતો પ્રસ્તાવ તાજેતરમાં મંજૂરી માટે સ્થાયી સમિતિમાં આવ્યો હતો, જેને નામંજૂર કરવામાં આવ્યો હતો. હવે જિમખાનાની જગ્યાએ ઓડિટોરિયમ બનાવવાના આડેથી અવરોધ દૂર થયો છે.
હવે ટાઉન હોલ જિમખાનાના પ્રસ્તાવમાં ફેરફાર કરીને પ્રશાસને એક નવું ઓડિટોરિયમ બનાવવાની યોજના બનાવી છે. તે મુજબ અગાઉ ૩૫૦ની બેઠક ક્ષમતા હતી, તેમાં વધારો કરીને હવે ૩૨૯ની બેઠક ક્ષમતા હશે. અહીં ૮૦ વાહનોની પાર્કિંગ ક્ષમતા સામે હવે તેને ઘટાડીને ૬૦ વાહનોની કરવામાં આવવાની છે. પાંચ માળની ઇમારત બનાવતી વખતે હાલની ૧૬ દુકાનને ગ્રાઉન્ડ ફ્લોર પર જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઓડિટોરિયમ ચોથા અને પાંચમા માળે એકસાથે બનાવવામાં આવશે. અહીં પાર્ટી ઓફિસો પણ હશે. મેયર, ડેપ્યુટી મેયર, ગૃહના નેતા, વિરોધ પક્ષના નેતા અને વહીવટી કચેરીઓ માટે કાર્યાલયો હશે. પહેલા અને બીજા માળે પોડિયમ હશે. ત્રીજા માળે મ્યુનિસિપલ કર્મચારીઓ માટે જીમ હશે. સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી મળ્યા પછી આ પ્રસ્તાવ મંજૂરી માટે સામાન્ય સભામાં આવશે. પાર્કિંગમાં બે લિફ્ટ, બે સીડી અને કાર લિફ્ટની સુવિધા પણ હશે.