નવી દિલ્હીઃ દેશમાં વરસાદની ખેંચને કારણે વર્તમાન ખરીફ મોસમમાં અત્યાર સુધીમાં વાવેતરનો વિસ્તાર ગત સાલના સમાનગાળાની તુલનાઓ છ ટકા જેટલો ઓછો રહ્યો છે, જ્યારે સામાન્યપણે થતાં વાવેતરની સરખામણીમાં 60 ટકા વાવેતર થયું હોવાનું કૃષિ મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે. મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર ગત 17મી જુલાઈ સુધી દેશમાં ખરીફ વાવેતર ગત સાલના સમાનગાળાના 700.47 લાખ હેક્ટર સામે 658.19 લાખ હેક્ટરની સપાટીએ રહ્યું છે.
જેમાં મુખ્ય ખરીફ પાક ગણાતા ડાંગરનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 167.83 લાખ હેક્ટર સામે સાધારણ ઘટાડા સાથે 166.41 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો છે. જોકે, તાજેતરના સપ્તાહમાં વાવેતરમાં વેગ વધ્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું. વધુમાં સમીક્ષા હેઠળના સમયગાળામાં કઠોળનો વાવેતર વિસ્તાર ગત સાલના 81.52 લાખ હેક્ટરની સરખામણીમાં 15 ટકા ઘટીને 69.23 લાખ હેક્ટર રહ્યો છે. જેમાં મુખ્યત્વે તુવેરનો વાવેતર વિસ્તાર 24.80 લાખ હેક્ટર, અડદનો વાવેતર વિસ્તાર 13.51 લાખ હેક્ટર અને મગનો વાવેતર વિસ્તાર 23.98 લાખ હેક્ટર રહ્યો છે.
આ સિવાય જાડા અથવા તો કડ ધાન્યનો વાવેતર વિસ્તાર 11.23 ટકા ઘટીને 119.03 લાખ હેક્ટર (134.09 લાખ હેક્ટર) રહ્યો છે જેમાં મકાઈનું વાવેતર સાધારણ ઘટીને 67.89 લાખ હેક્ટરમાં થયું છે. તેમ જ તેલીબિયાનો વાવેતર વિસ્તાર પણ 5.54 ટકાના ઘટાડા સાથે 147.09 લાખ હેક્ટર (155.72 લાખ હેક્ટર)ના સ્તરે રહ્યો છે. જેમાં સોયાબીનનો વાવેતર વિસ્તાર ઘટીને 106.02 લાખ હેક્ટર (111.05 લાખ હેક્ટર) અને મગફળીનો વાવેતર વિસ્તાર પણ ઘટીને 34.52 લાખ હેક્ટર (37.69 લાખ હેક્ટર)ની સપાટીએ રહ્યો છે.
વધુમાં સમીક્ષા હેઠળના સમયગાળામાં રોકડિયા પાકમાં કપાસનો વાવેતર વિસ્તાર ગત સાલના 98.40 લાખ હેક્ટર સામે ઘટીને 92.53 લાખ હેક્ટર રહ્યો છે, જ્યારે શેરડીનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 56.72 લાખ હેક્ટર સામે સાધારણ વધીને 57.58 લાખ હેક્ટર અને જ્યૂટ તથા મેસ્ટાનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 6.19 લાખ હેક્ટર સામે વધીને 6.32 લાખ હેક્ટર રહ્યો છે.
નોંધનીય બાબત એ છે કે ઈન્ડિયા મીટરોલોજિકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યાનુસાર દેશના કુલ 36 મીટરોલોજિકલ સબડિવિઝન પૈકી 23 સબડિવિઝનમાં ગત 19મી જુલાઈ સુધી વરસાદની ખાધ 24 ટકા રહી છે.