Thu Jul 23 2026

Logo

ખાંડના ભાવમાં ૧૫ ટકાનો ઉછાળો: શું દેશમાં ખાંડની અછત સર્જાશે? જાણો AISTAની સ્પષ્ટતા

2026-07-21 20:02:09
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ છેલ્લા એક મહિનામાં ખાંડના ભાવમાં એક્સ ફેક્ટરી ધોરણે 15 ટકા જેટલો ઉછાળો આવ્યો હોવા છતાં દેશભરનાં ખાંડના વેપારીઓના સંગઠન ઑલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિયેશન (આઈસ્ટા)એ ખાંડની અછતના અહેવાલોને પાયાવિહોણા ગણાવીને તેના સભ્યોને દેશભરમાં ખાંડની ઉપલબ્ધિતા સુનિશ્ચિત કરવા માટે વેપારી આલમને અનુરોધ કર્યો છે. 

ગત સોમવારે સંગઠને તેના દેશભરના 700 મુખ્ય સભ્યો અને સંગઠનોને એક પત્ર લખી જણાવ્યું હતું કે તાજેતરમાં ઈન્ડિયન સુગર ઍન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (ઈસ્મા)અને નેશનલ ફેડરેશન ઑફ કૉ-ઑપરેટિવ સુગર ફેક્ટરીઝ(એનએફસીએસએફ)એ ગત 17મી જુલાઈના રોજ સ્પષ્ટતા કરી હતી કે દેશમાં સ્થાનિક માગ સંતોષીય શકાય એટલો પર્યાપ્ત સ્ટોક છે.

વધુમાં ખાંડ ઉદ્યોગે એમ પણ જણાવ્યું હતું કે આગામી વર્ષ 2026-27ની ખાંડ મોસમમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં લેતા પિલાણનો આરંભ પણ વહેલાસર થશે જેથી નવા માલની આવકો વહેલી થાય. તાજેતરમાં એક મહિના કરતા ઓછા સમયગાળામાં એક્સ મિલ ધોરણે ભાવમાં 15 ટકા જેટલો વધારો થવાને કારણે ખાંડની અછતની ભીતિ સપાટી પર આવી હોવાનું આઈસ્ટાના અધ્યક્ષ પ્રફુલ્લભાઈ વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું. 

તેમણે ખાંડની વૅલ્યૂ ચેઈનના તમામ હિસ્સેધારકો, મિલો, વેપારીઓ, ડિસ્ટ્રિબ્યૂટરો અને સંસ્થાકીય વપરાશકારોને રાષ્ટ્રભરમાં ખાંડનો પુરવઠો ઉપલબ્ધ થતો રહે તે માટે સકારાત્મક પગલાં લેવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે કોવિડ-19 મહામારીના સમયગાળામાં પણ ખાંડ ઉદ્યોગે પુરવઠો જાળવી રાખ્યો હતો અને સરકારે પણ ઉદ્યોગના આ સકારાત્મક પ્રયાસને બિરદાવ્યો હતો. આ વખતે પણ આપણે આવો જ અભિગમ જાળવવો છે અને પુરવઠાસ્થિતિ ખોરવાય તેવી પ્રવૃત્તિથી દૂર રહેવા વેપારી આલમને તેમણે અનુરોધ કરવાની સાથે અફ્વાઓથી ગેરમાર્ગે દોરાઈને ગભરાટભરી ખરીદી કે સંગ્રહખોરી ન કરવાનું જણાવ્યું છે. 

ઉદ્યોગ દ્વારા પર્યાપ્ત સ્ટોકની સપાટી અને પિલાણ વહેલું શરૂ થવાની સંભાવનાને ધ્યાનમાં લેતા એસોસિયેશન પર્યાપ્ત સ્ટોક અંગે આશાવાદી હોવાનું હિસ્સેધારકોને અન્ય એક પત્રમાં સંગઠને જણાવતાં ઉમેર્યું હતું કે અમને આશા છે કે પ્રારંભિક લણણીના સમયગાળા દરમિયાન વધુ વરસાદ નહીં પડે જેથી શેરડીની કાપણી અને પિલાણ કોઈપણ પ્રકારના વિક્ષેપ વિના ચાલુ રહેશે. 

વધુમાં આઈસ્ટાએ મિલો, વેપારીઓ અને સંસ્થાકીય ખરીદદારોને સરકારી નિયમોનું કડક પાલન કરવા, સુગમ કામગીરી સુનિશ્ચિત કરવા અને ઉદ્યોગ સંગઠનો દ્વારા આપવામાં આવેલી બાંયધરી પર આધાર રાખવા વિનંતી કરી હતી.