થાણે: થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં અનૈતિક સંબંધમાં આડખીલીરૂપ બની રહેલા પતિની હત્યા કરીને તેનો મૃતદેહ ખીણમાં ફેંકી દેવા બદલ પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
શહાપુર તાલુકાની ક્ધિહવલી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ જ્યોતિ વામન નિરગુડા અને તેના પ્રેમી ધનેશ મેંગાળ તરીકે થઇ હતી. બંનેને સ્થાનિક અદાલતમાં હાજર કરવામાં આવતાં તેમને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર શહાપુર તાલુકાના દુર્ગમ વિસ્તારમાં ખીણમાંથી 16 જુલાઇએ વામન નિરગુડા નામના શખસનો મૃતદેહ મળી આવ્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેની હત્યા કરાઇ હતી, જેને પગલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે મૃતક વામનની પત્નીની પૂછપરછ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તેનો પતિ ઘટનાને દિવસે ઘરેથી થોડા દૂર આવેલા ખેતરમાં કામ કરવા માટે ગયો હતો, પણ તે ઘરે પાછો ફર્યો નહોતો. આથી પોતે તેને શોધવા માટે ગઇ ત્યારે ઘટનાસ્થળે તેને પતિનો મૃતદેહ મળી આવ્યો હતો.
જોકે પોલીસને જ્યોતિ પર શંકા જતાં તેના સંપર્કમાં રહેનારા લોકો વિશે માહિતી મેળવાઇ હતી અને આખરે ગામમાંથી ધનેશ મેંગાળને તાબામાં લીધો હતો.ધનેશે પૂછપરછમાં હત્યાનો ગુનો કબૂલ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે જ્યોતિ અને તેના વચ્ચે અનૈતિક સંબંધ હતા અને તેમાં વામન આડખીલીરૂપ બની રહ્યો હતો. આથી વામનનો કાંટો કાઢવાનું બંનએ નક્કી કર્યું હતું. યોજના મુજબ વામન ખેતરમાં ગયો ત્યારે તેના પર કુહાડીથી હુમલો કરી તેની હત્યા કરવામાં આવ્યા બાદ મૃતદેહ ખીણમાં ફેંકી દેવાયો હતો.