મુંબઈ: કાંદિવલી (વેસ્ટ)ના ચારકોપમાં આવેલા એક કુદરતી તળાવની સ્થિતિ જ્યાં ગેરકાયદે અતિક્રમણ અને કચરો મેન્ગ્રોવ્સ માટે જોખમ ઊભું કરી રહ્યા છે, તેને ભયાનક ગણાવતા બોમ્બે હાઈ કોર્ટે આજે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક અતિક્રમણ હટાવવાનો નિર્દેશ આપ્યો, જેના પછી અરજદાર મ્યુનિસિપલ કોર્પોરેશન કચરો સાફ કરી શકે અને તળાવના સંરક્ષણ તથા સુશોભીકરણની કામગીરી હાથ ધરી શકે છે.
ગયા અઠવાડિયે હાઈ કોર્ટે બીએમસીને તળાવના રક્ષણ માટે દીવાલ બનાવવાની મંજૂરી માંગવાને બદલે પહેલા તેની આસપાસના અતિક્રમણ હટાવવા જણાવ્યું હતું. ૨૦૧૮ના ચુકાદા મુજબ મહારાષ્ટ્રમાં મેન્ગ્રોવ્સ કાપવા માટે કોર્ટની મંજૂરી ફરજિયાત છે.
જો કે, બીએમસીએ દાવો કર્યો હતો કે તેણે મેન્ગ્રોવ સેલ, મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી અને સ્ટેટ એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી પાસેથી જરૂરી મંજૂરીઓ પહેલેથી જ મેળવી લીધી છે.
આજે બીએમસીના વકીલે કોર્ટને જણાવ્યું કે આસપાસના ગેરકાયદે અતિક્રમણને કારણે લોકો તળાવમાં કચરો ફેંકી રહ્યા છે, જે મેન્ગ્રોવ્સને નુકસાન પહોંચાડે છે. બીએમસી અને રાજ્ય સરકાર સહમત થયા કે અતિક્રમણ હટાવ્યા બાદ કચરો આવતો બંધ થઈ જશે અને સફાઈ પછી ખારું પાણી ફરી કુદરતી રીતે તળાવમાં વહેવા લાગશે.
વકીલ સાકેત મોનેએ રજૂઆત કરી હતી કે, આ દરમિયાન બીએમસી કચરો અને તે વિસ્તારને સાફ કરવા માટે એક વ્યાપક ઝુંબેશ હાથ ધરશે. તળાવની વર્તમાન સ્થિતિના ફોટોગ્રાફ્સનું બારીકાઈથી નિરીક્ષણ કરીને, બેંચે તેને ભયાનક ગણાવી હતી.
બેંચે નિર્દેશ આપ્યો હતો કે આગામી સુનાવણી દરમિયાન, તળાવના એ જ એંગલથી લીધેલા ફોટોગ્રાફ્સ બતાવવામાં આવે અને કહ્યું કે તે કુદરતી તળાવમાં કોઈપણ કચરો સહન કરશે નહીં. મુંબઈ ઉપનગર જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે હાઈ કોર્ટે આ મામલાની આગામી સુનાવણી ૬ ઓગસ્ટ પર મુલતવી રાખી છે.