નવી દિલ્હી: રાજધાની નવી દિલ્હીમાં જંતર મંતર પર સોનમ વાંગચુકની ભૂખ હડતાળ અને 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા કરવામાં આવેલી સંસદ કૂચ બાદ દેશના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. શિક્ષણ પ્રણાલીમાં કથિત ગેરરીતિઓ અને શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથે છેલ્લા એક મહિનાથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન, સીજેપીની સંસદ કૂચમાં જોડાયેલા વિદ્યાર્થીઓ પર 20 જુલાઈના રોજ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જની ઘટનાએ સમગ્ર મામલાને વધુ ઉગ્ર બનાવી દીધો છે.
વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં હવે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે. રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાનના આવાસની બહાર ધરણા શરૂ કરી દીધા છે. જોકે, કોંગ્રેસના આ પગલાંથી વિપક્ષો વચ્ચે જ શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી (AAP) એ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના આ વલણની આકરી ટીકા કરીને તેમના પર નિશાન સાધ્યું છે.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે દેશના કરોડો યુવાનો માટે સોનમ વાંગચુક છેલ્લા 24 જેટલા દિવસથી આમરણાંત ઉપવાસ પર છે અને જંતર-મંતર પર યુવાનો આંદોલન કરી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જે કોંગ્રેસ છેલ્લા એક મહિનાથી આ આંદોલનને ગાળો આપી રહી હતી, તે હવે લોકોને જંતર-મંતરના બદલે પોતાના ધરણામાં સામેલ થવા કહી રહી છે. સંજય સિંહે સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસ જંતર-મંતર પર જવાને બદલે યુવાનોના આંદોલનને નબળું કેમ પાડવા માંગે છે?
આ ઉપરાંત, સંજય સિંહે મોટો આક્ષેપ કરતા લખ્યું કે સીજેપીના આંદોલનને નબળું પાડવા માટે ખુદ મોદીજીએ જ રાહુલ ગાંધીને પોતાના આવાસ પર ધરણા પર બેસાડી દીધા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે એક મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે અને હવે રાહુલ ગાંધી પોતાનું અલગ પ્રદર્શન કરીને લોકોને ત્યાં બોલાવી રહ્યા છે. તેમણે સલાહ આપી કે રાહુલ ગાંધીએ અલગ પ્રદર્શન કરવાને બદલે જંતર-મંતર પર જઈને વિદ્યાર્થીઓને સમર્થન આપવું જોઈએ, કારણ કે યુવાનોનું અસલી આંદોલન ત્યાં જ ચાલી રહ્યું છે અને અન્ય લોકો ત્યાં જઈને તેમને સાથ આપી રહ્યા છે.