Wed Jul 22 2026

Logo

વિદ્યાર્થીઓ પરના દમન મુદ્દે કલાકારો ભડક્યાંઃ સોનુ સૂદથી લઈ સોનાક્ષી સિંહાએ નોંધાવ્યો વિરોધ

2026-07-21 17:23:50
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા યોજાયેલા CJP (Cockroach Janta Party)ના વિરોધ પ્રદર્શન બાદ બોલિવૂડના અનેક જાણીતા કલાકારોએ સોશિયલ મીડિયા મારફતે પોતાનો પ્રતિસાદ આપ્યો છે. પહેલા બોલિવૂડના એન્કર શેખર સુમને આકરા શબ્દોમાં પોતાનું મંતવ્ય આપ્યું. એ પહેલા જાણીતી એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અને વિદ્યાર્થીઓ સાથે થયેલા વર્તનને લઈને અભિનેતા મુનવ્વર ફારૂકી, સોનુ સૂદ, અનુરાગ કશ્યપ, ભૂમિ પેડનેકર સહિત અનેક બોલિવૂડની સેલિબ્રિટીઓએ ચિંતા વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓના અવાજને સાંભળવાની અને શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાની માંગ કરી છે.માત્ર બોલિવૂડના સેલેબ્સ જ નહીં પણ ટીવી જગતની જાણીતી હસ્તીઓ પણ આ વિષય પર પોતાની વાત સ્પષ્ટ કરી ચૂકી છે. 

રિપોર્ટ અનુસાર, જંતર-મંતર પર વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અને શિક્ષણ સુધારાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન પોલીસ અને વિદ્યાર્થી દેખાવકારો વચ્ચે અથડામણ થઈ હતી.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો અને વિડિયોએ દેશભરમાં ચર્ચા જગાવી હતી.

ટીવી જગતના અને બોલિવૂડના અનેક કલાકારોએ કહ્યું કે, વિદ્યાર્થીઓની વાતને દબાવવાને બદલે તેમની સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ. સોનુ સૂદ છેલ્લા ઘણા વર્ષોથી માત્ર અભિનેતા તરીકે જ નહીં, પરંતુ સામાજિક કાર્યકર તરીકે પણ જાણીતો છે. કોરોના મહામારી દરમિયાન હજારો પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વિષય પર વાત કરતા તેણે જે વાત કહી એ વિદ્યાર્થીઓને ગમી ગઈ છે. તેણે કહ્યું કે, આપણા આ વિદ્યાર્થીઓને લાઠી મારનારા નહીં પણ ભેટીને સમજાવે એવા હાથની જરૂર છે. એવા હાથ અને એવો સાથ જોઈએ છે. 

ભૂમિ પેડનેકર

ભૂમિ પેડનેકરએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરતા કહ્યું હતું કે, હિંસો કોઈ સમસ્યાનું સમાધાન નથી. આજે અમે જે હિંસાની તસવીર જોઈ, આ આપણી જવાબદારી છે કે, આપણે એ નક્કી કરીએ કે, આપણા જ દેશના એ યુવાનો આ આંદોલનમાં કોઈ હિંસાનો સહારો ન લે. આ આંદોલન પોતાના જે તે રસ્તાથી ન ભટકે, લોકતંત્ર વાતચીત અને સંવાદ પર આધારિત છે.

નબળા અને આર્થિક રીતે પછાત બેગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થીઓ પાસે મુશ્કેલીભરી સ્થિતિમાંથી બહાર નીકળવા પરીક્ષા એક માત્ર માધ્યમ હોય છે. આપણે એનો ભરોસો તૂટવા ન દેવો જોઈએ.મને આશા છે કે, આ વિદ્યાર્થીઓની જીત થશે અને આપણી સિસ્ટમમાં જે ખામી છે એ દૂર થશે. આપણી એજ્યુકેશન સિસ્ટમમાં એક સુધારાની જરૂર છે. સિસ્ટમ સાથે જોડાયેલી સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ.

અનુરાગ કશ્યપ

ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે. સોશિયલ મીડિયા પર લખતા અનુરાગ કશ્યપે કહ્યું કે, વર્દી પહેરવા માટે આત્માનો અને આત્મિયતાનો સોદો કરવો પડે, છે કોઈ એવો પોલીસવાળો જે ઊભો થઈને બોલી શકે કે, હું આ આદેશનું પાલન નહીં કરૂ, કારણ કે તે ખોટું છે. આ સાથે એક્ટ્રેસ હુમા કુરૈશીએ કહ્યું હતું કે, આજની આ તસવીર મારી સ્મૃતિમાં જ નહીં, મારી આત્મામાં લાંબા સમય સુધી રહેશે. જે લોકો શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, એની ઉપર આટલી બર્બરતાથી લાઠીચાર્જ જોઈને મને ખૂબ જ દુઃખ થયું છે.

નિશ્ચિત રીતે થોડી વધારે ધીરજ રાખવી પડશે. સાંભળવાની તૈયારી રાખવી પડશે. મુદ્દાને વાતચીતથી સંભાળી શકાય એમ હતો.આપણા ભારતના જ લોકોએ આ સરકારને પસંદ કરી છે, આજે આપણે દરેકે સવાલ પૂછવા અને જવાબદારીઓ નક્કી કરવાની જરૂર છે. આપણો દેશ એક વિવિધતા ધરાવતો મોટી જનસંખ્યા ધરાવતો દેશ છે.જરૂરી નથી કે, આપણે દરેક મુદ્દા સાથે સહમત થઈએ. પણ આપણે એ વાત પર અવશ્ય સહમત થઈ શકીએ છીએ કે, બળપ્રયોગ કરતા પહેલા દરેક નાગરિકની વાત સન્માન સાથે સાંભળવી જોઈએ. 

દિયા મિર્ઝા

એક્ટ્રેસ દિયા મિર્ઝાએ લખ્યું કે, નાગરિકો વિશ્વાસ કરી શકે તેવી શિક્ષણ પ્રણાલીની માંગણીને ક્યારેય અવજ્ઞા તરીકે જોવી જોઈએ નહીં. તે આશાની અભિવ્યક્તિ છે. ઉભરતી છબીઓ જોવી મુશ્કેલ છે. જવાબદારીની માંગણી કરવા માટે શાંતિપૂર્ણ રીતે ભેગા થતા યુવાનો, મહિલાઓ અને વૃદ્ધ નાગરિકોને સાંભળવા અને આદર સાથે વર્તવાને પાત્ર છે.

મુન્નવર ફારૂકીએ જણાવ્યું હતું કે, ભારતમાં કેટલાક બાળકોએ પોતાના અધિકારોની માંગણી કરી. તેમણે પરીક્ષા આપી, પણ પછી તે રદ થઈ ગઈ. પોતાનો સમય, પૈસા અને સપના ગુમાવ્યા પછી, તેમાંથી વીસ બાળકોએ આત્મહત્યા કરી. વિદ્યાર્થીઓ સાથે આવું જ થઈ રહ્યું છે, છતાં કોઈ જવાબદારી લઈ રહ્યું નથી. હું પોતે વિદ્યાર્થી ન હોઈ શકું, પણ દિલ્હીમાં બનતું બધું જોઈ રહ્યો છું. મારા દેશના બાળકો આતંકવાદી નથી; તેમને મારવાની કોઈ જરૂર નથી.