મુંબઈ: સબર્બન લોકલ ટ્રેન મુંબઈના પ્રવાસીઓની જીવાદોરી છે, તેમાં મુસાફરી કરતા પ્રવાસીઓને રોજબરોજ અવનવા અનુભવો થતા રહે છે. લોકલ ટ્રેનમાં ભયાનક હિંસક ઘટનાઓ વધતી જાય છે. હાલમા મુંબઈ સેન્ટ્રલ સ્થિત ગવર્મેન્ટ રેલવે પોલીસ દ્વારા બે ટ્રાન્સજેન્ડરની અટકાયત કરવામાં આવી હતી. જેમણે લોકલ ટ્રેનમાં એક પ્રવાસીની મારપીટ કરી હતી. તેમની સામે રેલવે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) હેઠળ FIR નોંધવામાં આવી હતી, જે સ્વેચ્છાએ સામાન્ય ઈજા પહોંચાડવા સાથે સંબંધિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અટકાયત બાદ બંને આરોપીઓએ માફી માંગી હતી.
જીઆરપીના જણાવ્યા અનુસાર, આ ઘટના 18 જુલાઈના રાત્રે 11.00 વાગ્યાથી 11.10 વાગ્યાની વચ્ચે ચર્ચગેટ-બાંદ્રા સ્લો લોકલ ટ્રેનમાં બની હતી, જ્યારે ટ્રેન માહિમ અને બાંદ્રા સ્ટેશનો વચ્ચે મુસાફરી કરી રહી હતી. જીઆરપીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રાન્સજેન્ડરે પ્રવાસી પાસે કથિત રીતે પૈસાની માંગણી કર્યા બાદ આ વિવાદ શરૂ થયો હતો. જ્યારે પ્રવાસીએ ના પાડી ત્યારે બોલાચાલી થઈ અને અંતે મામલો શારીરિક હુમલામાં પરિણમ્યો હતો. પોલીસે પીડિતની ઓળખ જાહેર કરી નથી.
આરોપીઓની ઓળખ નાલાસોપારા પૂર્વના રહેવાસી (21) વર્ષીય કૃષ્ણચંદ્ર ભાસ્કર દાસ ઉર્ફે શુભાંગી ગુરુ સંધ્યા અને માહિમ પશ્ચિમના રહેવાસી રૂપમ રાજકુમાર ખટીક ઉર્ફે રૂપાલી ગુરુ સના શેખ (16) તરીકે થઈ છે. સરકાર વતી રેલવે પોલીસ ફોર્સના કોન્સ્ટેબલ સંજય સિંઘ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર હુમલાનો વીડિયો વાયરલ થયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ ફૂટેજમાં કથિત રીતે બે ટ્રાન્સજેન્ડર પ્રવાસી પર હાથ વડે હુમલો કરતા જોવા મળે છે. દરમિયાન, કોઈ પણ સહ-પ્રવાસી વચ્ચે પડવા માટે આગળ આવ્યો નહોતો. જ્યારે એક પ્રવાસીએ મોબાઈલ ફોન પર આ ઘટનાનું રેકોર્ડિંગ કર્યું હતું.
દાદર સેન્ટ્રલ ખાતેની રેલવે પ્રોટેક્શન ફોર્સએ વાયરલ વીડિયોમાં દેખાતા બે વ્યક્તિઓને શોધી કાઢ્યા હતા અને શરૂઆતમાં તેમને એક રિપોર્ટ સાથે દાદર વેસ્ટ સ્થિત આરપીએફને સોંપ્યા હતા. ત્યાર બાદ દાદર વેસ્ટની આરપીએફએ તેમને GRP સમક્ષ રજૂ કર્યા હતા. RPF કોન્સ્ટેબલની ફરિયાદના આધારે જીઆરપીએ ફરિયાદ નોંધી અને આગળની તપાસ શરૂ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે પીડિતનું નિવેદન નોંધવા અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો એકત્રિત કરવા માટે આગળની તપાસ ચાલી રહી છે. અધિકારીઓ તપાસના ભાગરૂપે વાયરલ વીડિયોની પણ ચકાસણી કરી રહ્યા છે, જેથી ઘટનાક્રમ જાણી શકાય અને કોઈ વધારાની કાયદેસરની કાર્યવાહી જરૂરી છે કે કેમ તે નક્કી કરી શકાય.