ભુજ: પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના ચિયાસર ગામના તળાવમાં કમળમાંથી 'પબડી' કાઢવા ઊતરેલા ભોજાય ગામના ૬૦ વર્ષીય નથુભાઈ કોળીનું અકસ્માતે ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત સોમવારે સવારે તળાવ કિનારેથી નથુભાઈના ચંપલ અને દાંતરડું મળી આવતાં ગ્રામજનો એકઠા થયા હતા. નલિયા પોલીસ, મામલતદાર અને વન વિભાગની ટુકડીએ રાતા તળાવથી બોટ મગાવી તરવૈયાઓ દ્વારા મૃતદેહ બહાર કાઢ્યો હતો.
સોશિયલ મીડિયા પર અફવા
સોશિયલ મીડિયા પર વૃદ્ધને મગર ખેંચી ગયાની અફવા વહેતી થઈ હતી, પરંતુ તંત્ર અને સ્થાનિકોના જણાવ્યા મુજબ મોત ડૂબી જવાથી જ થયું છે. સાવચેતીના ભાગરૂપે વન વિભાગે તળાવમાં પાંજરું ગોઠવ્યું છે અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ, કચ્છમાં અકસ્માત અને આપઘાતના અલગ-અલગ બનાવોમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. માંડવી-ભુજ ધોરીમાર્ગ પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક સાંધાણના 22 વર્ષીય યુવાન મુકેશ રમેશ કોળીનું ટ્રક નીચે કચડાઈ જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. મૃતકના ત્રણ માસ પૂર્વે જ લગ્ન થયા હતા. પત્ની સાથેની તકરાર બાદ આ ઘટના બની હતી. પ્રત્યક્ષદર્શીઓના મતે યુવકે ચાલુ ટ્રકે ઝંપલાવ્યું હોવાથી આ અકસ્માત હતો કે, આપઘાત હતો તે અંગે માંડવી પોલીસે તપાસ હાથ ધરી છે.
આત્મહત્યાની ઘટનાથી ચકચાર
અન્ય બનાવોમાં, અબડાસાના નાની બેર ગામે 25 વર્ષીય પરિણીતા દક્ષાબેન વિશ્રામ પારાધીએ ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો હતો. વાયોર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે ગાંધીધામના ગણેશનગરમાં 59 વર્ષીય આધેડ અરવિંદભાઈ શ્યામજીભાઈ ચારણે અગમ્ય કારણોસર ઘરમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં બી-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.