Tue Jan 27 2026

Logo

White Logo

SITની મોટી કાર્યવાહી; નવનીત બાલધીયા કેસમાં જયરાજ આહીરની ધરપકડ, અત્યાર સુધીમાં 14 આરોપી ઝડપાયા...

3 days ago
Author: Vimal Prajapati
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભાવનગર: ભાવનગરના બગદાણાના કોળી સમાજના યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં એસઆઈટી દ્વારા જયરાજ માયાભાઈ આહીરની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર બચાવનાર બગદાણાના કોળી યુવાન નવનીત બાલદીયા ઉપર થયેલ હુમલામાં પોલીસ મુખ્ય આરોપીને છાવરી રહી હોવાના આક્ષેપો થયાં હતાં. તે બાદ કોળી સમાજના ધારાસભ્યો, સાંસદો દ્વારા મુખ્ય પ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી. જેથી આ કેસની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી હતી. 

પોલીસ મુખ્ય આરોપીને છાવરી રહી હોવાના આક્ષેપો થયા હતા

આ કેસમાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ આહીર છે, તેવું ભોગ બનનાર કોળી યુવાને પહેલે કહ્યું હતું. પરંતુ પોલીસે જયરાજનું નામ ફરિયાદમાં પણ નહોતું લખ્યું! આ બધા અંગે મુખ્ય આરોપીની ધરપકડ માટે ભારે દબાણ કરવામાં આવ્યું હતું. અંતે એસઆઈટીએ આ કેસમાં કાર્યવાહી કરતા જયરાજ આહીરની ધરપકડ કરી લેવામાં આવી છે. ભાવનગર જિલ્લાના બગદાણા પો.સ્ટે. ખાતે તારીખ 29/12/2025ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પહેલા બગદાણા પોલીસે 8 આરોપીની ધરપકડ કરી હતી.

આ કેસની તપાસ SIT ની રચના કરવામાં આવી હતી

આ કેસની સંવેદનશિલતાને ધ્યાને રાખતા 5 જાન્યુઆરીના રોજ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટી દ્વારા 20 દિવસમાં સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી 8 આરોપીઓના 3 દિવસના પુનઃ રિમાન્ડ મેળવ્યાં હતાં. આ રિમાન્ડ દરમિયાન આરોપીઓ સાથે કરવામાં આવેલી પુછપરછના અંતે વધુ આરોપીઓ સંડોવાયેલ હોવાના પુરાવાઓ પ્રાપ્ત થતા કાનાભાઇ ભીખાભાઇ કામળીયા, સંજયભાઇ બેચરભાઇ ચાવડા, દિનેશભાઇ ઉર્ફે દાદુ લોમાભાઇ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. 

તપાસમાં જયરાજ આહિરની સંડોવણીના પુરાવા મળ્યાં

આ તમામ પ્રકારની કાર્યવાહી અને તપાસમાં વધુ બે આરોપી ઉત્તમભાઇ ભરતભાઇ બાંભણીયા, અજયભાઇ ઉર્ફે મોટો મનજીભાઇ ભાલીયાની ધરપકડ કરાઈ હતી. આમાં પુરાવાઓ, સાંયોગીક નિવેદનો, આરોપીઓના એકબીજા સાથેના મોબાઇલ સંપર્કો, તેમના લોકેશન્સ તથા અન્ય ડીટેલ્સ અંગેની કડીઓની તપાસ કરતા જયરાજ આહિરની સંડોવણીના પુરાવા મળ્યાં હતાં. જેથી હુમલાના આ કેસમાં જયરાજ આહિરની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. 

આ પ્રકરણમાં પોલીસે કુલ 14 આરોપીઓની ધરપકડ

ભારે ચર્ચાસ્પદ બનેલા બગદાણા પ્રકરણમાં પોલીસે કુલ 14 આરોપીઓની ધરપકડ કરી છે. ભોગ બનનાર યુવાને પહેલેથી જ જયરાજ આહીર મુખ્ય આરોપી હોવાનું જણાયું હતું. પરંતુ ફરિયાદમાં આઠ આરોપીના નામ આપ્યા હતા તેમાં જયરાજનું નામ ન હતું. કોળી સમાજના ભારે દબાણ બાદ પોલીસે છેલ્લે જયરાજ આહિરની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી છે. જયરાજ આહિર જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો પુત્ર છે, તેથી આ કેસ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.