નીલા સંઘવી
આજની પેઢી ઘરડાં મા-બાપને ‘ડસ્ટ બીન’ માને છે એવી વાત ચર્ચાય છે અને મહદ્અંશે એ વાત સાચી પણ છે. યુવાન પેઢીને વૃદ્ધ માવતરને સાચવવાં ગમતાં નથી એવું મહદ્અંશે જોવામાં પણ આવે છે. માવતર વૃદ્ધ થાય એટલે વૃદ્ધાશ્રમમાં મૂકવા કે પછી તેમના પર ધ્યાન ન આપવું- અનાદર કરવો- સમય કાઢીને વાતચીત ન કરવી એવો સિનારિયો આજે જોવા મળે છે.
શ્રવણ જેવાં સંતાન હોવા એ યુગો જૂની ભૂતકાળની વાત બની ગઈ હોય એવું લાગે છે, પણ સ્થિતિ આટલી બધી નકારાત્મક પણ નથી. ક્યાંક ક્યાંક રણમાં મીઠી વીરડી જેવા પ્રસંગ જોવા પણ મળે છે ત્યારે થાય છે કે માનવીમાં હજુ માનવતા બચી છે, સાવ મરી પરવારી નથી.
જાણીતા આર.જે.ની એક રીલ જોઈ અને દિલ બાગબાગ થઈ ગયું. આ વખતે એક એ વાત પણ સાબિત થઈ કે સોશ્યલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ઘણી ઉપયોગી માહિતી મેળવી શકાય છે. આપણે હંમેશાં કહેતા હોઈએ છીએ કે સોશ્યલ મીડિયાને કારણે હાનિ પહોંચે છે,પણ એવું નથી. યોગ્ય ઉપયોગ કરીએ તોઆ સોશ્યલ મીડિયા બહુ કામનું છે અને અસરકારક પણ છે. એના પર કેટલા મિત્રો બનાવી શકાય છે, કેટલી માહિતી મેળવી શકાય છે. મને પોતાને સોશ્યલ મીડિયા પરથી ગુજરાતના કેટલા બધા લેખક મિત્રો મળ્યા છે. જો સોશ્યલ મીડિયા ન હોત તો આ મિત્રો મળી શક્યા ન હોત.
અરે, વાત આપણે શ્રવણ જેવા દીકરાની કરવાના હતા, પણ આડે પાડે ચઢી ગયા. ચાલો, જવા દો-ફરીથી મૂળ વાત પર આવીએ.
હા, તો આપણા એક જાણીતા આર.જે.ની રીલની વાત કરતા હતા. મોબાઇલ સર્ફ કરતાં ધ્યાન પડ્યું તે એની વાત રસપ્રદ લાગી એટલે આખી રીલ જોઈ લીધી. એની વાત કરવી છે, જોકે એના એક એક શબ્દ યાદ નથી એટલે એની રજૂઆત મારી રીતે કરીશ....
આપણા આર.જે. અને તેમનાં પત્ની ટ્રેનમાં ફરવા જઈ રહ્યાં હતાં. ટ્રેન ઊપડી. બંને મોજમાં હતાં. સામેની સીટ પર તેમના સહ પ્રવાસીમાં એક પરિવાર હતો. બે નાનાં બાળક, તેમનાં માતા-પિતા અને તેમનાં દાદા-દાદી. બધાં આનંદ કિલ્લોલ કરતાં હતાં. દાદા-દાદી બાળકોને રમાડતાં હતાં. દીકરો પોતાના વૃદ્ધ પિતા સાથે વાતો કરતો હતો અને સ્ટેશને-સ્ટેશને ચા-પાણી પીવડાવતો હતો. વચ્ચે એકાદવાર માતા અને તેની પત્નીએ પણ ચા પીધી. દીકરો પિતા સાથે સતત વાતો કરતો હતો, ‘પપ્પા, જુઓ આ શહેરમાં પેલા આપણા કલાયન્ટની ઑફિસ છે અને અહીંની જાણીતી હોટેલનો ઢોસો તો દાઢે વળગેલો છે.’
‘દીકરા, તું ભૂલી ગયો લાગે છે. તું તો છેલ્લાં 12-15 વર્ષથી બિઝનેસ ટુર પર જાય છે, તારી પહેલાં તો હું જ જતો હતો અને એ હોટેલ પર જઈને ઢોસો ખાવાનું મેં જ તમને કહેલું. ત્યારથી તું ત્યાં જઈને ઢોસો ખાય છે. લો, બોલો પાછો મને આ વાત કહે છે - જાણે મને ખબર જ ન હોય! ખરો છે હં - બાપને કહેવા નીકળ્યો છે પણ ભૂલી ગયો છે કે ‘બાપ આખિર બાપ હોતા હૈ’ આમ કહીને પિતાએ દીકરાના વાંસા પર ધબ્બો માર્યો અને બંને હસી પડ્યા.
જમવાનો સમય થયો એટલે પુત્રવધૂએ સાથે લાવેલ ટિફિન ખોલ્યું. વિવિધ વાનગીઓ સાથે લાવેલ ડિસ્પોઝેબલ ડિશમાં પીરસીને બધાંને જમવા આપ્યું. પુત્રવધૂએ સાસુ-સસરાને ધ્યાનમાં રાખીને કૂણાં માખણ જેવાં થેપલાં બનાવ્યાં હતાં. ખમણ-ઢોકળા પણ સૉફટ હતા. બધાંએ સાથે બેસીને મજાક-મસ્તી કરતા કરતાં ખાધું.
આખી રાત ટ્રેનમાં કાઢવાની હતી તેથી બધાએ થોડા કલાક આરામ કરી લેવાનું વિચાર્યું. દીકરાએ પોતાનાં માતા-પિતાને નીચેની સીટ પર ચાદર વગેરે બરાબર પાથરીને, તકિયો આપીને, બરાબર ઓઢાડીને સૂવડાવી દીધાં. પછી બાળકો અને છેલ્લે દીકરા-વહુએ આરામ કરવા લંબાવ્યું.
વહેલી સવારે તેમનું ડેસ્ટિનેશન આવ્યું. બધાં ઊતર્યાં. પછી એ બધાં પોતાની હોટેલનું વેહિકલ આવે તેની રાહ જોતાં ઊભાં રહ્યાં ત્યારે આ પરિવારથી ઇમ્પ્રેસ થયેલા એમના સહપ્રવાસી રહેલા એ આર.જે.એ દીકરાને કહ્યું, ‘તમે માતા-પિતાને લઈને ફરવા નીકળ્યા છો તે બહુ જ સારી વાત છે. તો શું તમે હંમેશાં આવી રીતે ફરવા જાઓ છો?’
‘હા, વર્ષમાં એક વાર અમે મારાં માતા-પિતા સાથે ફરવા નીકળીએ છીએ. જુઓ, મારા પપ્પાને 65 વર્ષ થયા અને મમ્મીને 63... બંનેની જાત હજુ ચાલે છે. તે બન્ને હાલી-ચાલી શકે છે ત્યાં સુધી તેમને મારે હરવા-ફરવા લઈ જવું છે. અમારે સાથે તેમને આનંદ કરાવવો છે. મને વર્ષમાં એક વાર જ સમય મળે છે. તો આ સમય માવતરનો અને અમારો આનંદમાં પસાર થાય એમ હું ઇચ્છુ છું.
મુંબઈમાં તો હું બહુ જ વ્યસ્ત રહું છું. પરિવાર સાથે જરૂરી વાતચીત થઈ શકે, પણ વધારે સમય ન આપી શકાય. રજાના દિવસે પણ કંઈક કામ નીકળે કે વ્યવહારમાં જવા આવવાનું થાય. તેથી એક નિયમ જ રાખ્યો છે કે વર્ષમાં એક વાર સપરિવાર ફરવા જવાનું એટલે જવાનું ... મારે માટે મારાં માતા-પિતા સર્વસ્વ છે. તેમણે મારા માટે કેટલું કર્યું છે! ખૂબ હેતથી ઉછેર્યો, ભણાવ્યો-ગણાવ્યો. મને ગમતી યુવતી સાથે પરણાવ્યો. મારાં બાળકોને કેટલો પ્રેમ આપે છે તે બન્ને! દાદા-દાદી તેમને વાર્તા કહે, તેમની સાથે રમે, અમે બહાર ગયા હોઈએ તો પાછળથી અમને ઘરની કે બાળકોની જરાય ચિંતા નથી હોતી.’
પેલા યુવાનની વાત સાંભળીને આર.જે.એ કહ્યું, ‘આ જમાનામાં પણ હજુ શ્રવણની યાદ અપાવે એવા દીકરા જીવે છે!’