રાજકોટ: લેઉવા પાટીદારોની સર્વોચ્ચ સંસ્થા ખોડલધામ ખાતે એક મહત્વની જાહેરાત કરવામા આવી છે, જેની સમગ્ર રાજ્યના રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનના 'અધ્યક્ષ' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 'કન્વીનર મીટ 2026' માં નરેશ પટેલે "આજે ખોડલધામમાં દિવાળી છે" તેમ કહીને અનાર પટેલના નામની ઘોષણા કરતા રાજકીય અને સામાજિક ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે.
ઉત્તરપ્રદેશનાં વર્તમાન રાજ્યપાલ અને ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલનાં દીકરી અનાર પટેલને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. લેઉવા પાટીદારોની મોટી સંસ્થા ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે યોજાયેલા કન્વીનર મીટ 2026માં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હવેથી ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે. અગાઉ અનાર પટેલ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે અને વિધાનસભાની ચૂંટણી લડશે તેવી વહેતી થયેલી વાતો બાદ તેમણે ખોડલધામના રસ્તે સમાજકારણમાં પ્રવેશ કર્યો હોવાનું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે.

આ અવસરે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, "આજે ખોડલધામમાં દિવાળી જેવો માહોલ છે. મારે આજે પ્રોટોકોલ તોડીને એક અત્યંત મહત્વની જાહેરાત કરવી પડે તેમ છે, અને આ જાહેરાત બાદ જ બીજી જાહેરાત થઈ શકે તેમ છે.." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "હું જે નામ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું, તે નામ માત્ર પાટીદાર સમાજને જ નહીં પણ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવશે, તેમાં મને જરાય શંકા નથી."
નોંધનીય છે કે, અનાર પટેલને આ પૂર્વે લેઉવા પાટીદારોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્થા ખોડલધામના ટ્રસ્ટી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ હવે તેમના કદમાં વધારો કરીને તેમને ખોડલધામ સંગઠનના 'અધ્યક્ષ' તરીકેનું મહત્વનું પદ સોંપાયું છે. આ જાહેરાત સમયે મંચ પર અદભૂત સામાજિક એકતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જેમાં અનાર પટેલની સાથે અમરેલીના કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર અને જેતપુરના પૂર્વ ધારાસભ્ય જશુમતિબેન કોરાટ એક જ હરોળમાં બેઠેલા નજરે પડ્યા હતા.