(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ વડોદરામાં પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે એક આરોપીએ ટોયલેટમાં આત્મહત્યા કરી લીધી હતી. પોતાની હુડી(સ્વેટર)ની દોરીથી તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી હતી, જ્યારે મૃતકની બહેને પોલીસે તેને માર મારી તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર 20મીએ વસાવાને ત્રણ અન્ય આરોપી સાથે લોક અપમાં બંધ કરવામાં આવ્યો હતો અને 21મીએ સવારે છ વાગ્યા આસપાસ તે ટોયલેટ ગયો હતો. જ્યાં તેણે આત્મહત્યા કરી હતી. અન્ય આરોપી ટોયલેટ ગયો ત્યારે તેના ધ્યાનમાં આવતા મામલો બહાર આવ્યો હતો.
વડોદરાના જીવનનગરમાં હાઉસિંગ સોસાયટીમાં રહેતા રમેશ વસાવાની આગલા દિવસે જ અટકાયત કરવામાં આવી હતી. રમેશની પત્ની રાખીએ કથિત ઘરેલું વિખવાદ અને માર મારવાની ફરિયાદ કરતા તેની અટકાયત કરવામાં આવી હતી. હવે આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે તપાસની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવશે, જો કોઈ ઈજા થઈ હશે તો પોસ્ટમોર્ટમ દ્વારા બહાર આવશે. જોકે પોલીસે હાલમાં કસ્ટોડિયલ ડેથના આક્ષેપોને નકાર્યા હતા. પોસ્ટમોર્ટમના અહેવાલ આવ્યા બાદ કોઈ પરિણામ સુધી પહોંચી શકાશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
પત્ની રાખીએ જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી પતિ દારૂ પીતો અને માર મારતો હતો. એકાદ બે દિવસો પહેલા તેણે તેમની દીકરીને પણ મારી હતી, આથી તેમણે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું હતું. બીજી બાજુ બહેનનો આક્ષેપ હતો કે તે ભાઈને જેલમાં મળી હતી અને તે સ્વસ્થ દેખાતો હતો, આવું પગલું તે ભરી શકે તેમ નથી.