વૈશ્વિક ઈ-કોમર્સ દિગ્ગજ એમેઝોન ફરી એકવાર મોટા પાયે કર્મચારીઓની કાપ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. 2026ના વર્ષની શરૂઆતમાં જ ટેક ક્ષેત્ર માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, કંપની પોતાના કોર્પોરેટ માળખાને ફરીથી સંગઠિત કરવા માટે હજારો કર્મચારીઓને પિંક સ્લિપ આપી શકે છે. આ નિર્ણયની સૌથી વધુ અસર ભારત જેવા દેશોમાં કામ કરતી ટીમો પર પડવાની આશંકા છે, જેના કારણે બેંગલુરુ અને હૈદરાબાદ જેવા આઈટી હબમાં કામ કરતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, એમેઝોન આગામી 27 જાન્યુઆરીથી છટણીના નવા રાઉન્ડની શરૂઆત કરી શકે છે. આ વખતે અંદાજે ૧૬,૦૦૦ કર્મચારીઓની નોકરી જઈ શકે છે. ખાસ કરીને એમેઝોન વેબ સર્વિસીસ (AWS) અને પ્રાઇમ વિડિયો જેવા મહત્વના વિભાગો આ કાપની ઝપેટમાં આવી શકે છે. કંપનીના આ રી-સ્ટ્રક્ચરિંગ પ્લાન હેઠળ 2026ના મધ્ય સુધીમાં કુલ 30000 જેટલા કોર્પોરેટ જગ્યા ખતમ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાંથી 14000 જગ્યા અગાઉ જ ઘટાડી દેવામાં આવ્યા છે.
એમેઝોનની આ છટણીમાં ભારત એક મહત્વનું કેન્દ્ર હોવાનું મનાય છે. બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈમાં કાર્યરત એમેઝોનની કોર્પોરેટ ટીમો અને એચઆર (PXT) વિભાગ પર આ છટણીની સીધી અસર પડી શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે Reddit અને Blind પર કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, મેનેજરોએ પહેલેથી જ સંકેતો આપવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને જે કર્મચારીઓ પરફોર્મન્સ ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન (PIP) હેઠળ છે, તેમને સૌથી પહેલા જાણ કરવામાં આવે તેવી શક્યતા છે.
એમેઝોનના સીઈઓ એન્ડી જેસીના જણાવ્યા અનુસાર, આ છટણી કોઈ આર્થિક તંગી કે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ને કારણે નથી લેવામાં આવી રહી. કંપનીનું માનવું છે કે મેનેજમેન્ટમાં જરૂર કરતા વધારે લેયર્સ (સ્તરો) બની ગયા છે, જેના કારણે નિર્ણય લેવામાં વિલંબ થાય છે અને કામની ગતિ ધીમી પડે છે. આથી, કંપની વચ્ચેના મેનેજમેન્ટ સ્તરો ઘટાડીને કામગીરીને વધુ ઝડપી બનાવવા માંગે છે. જોકે, નિષ્ણાતો માને છે કે એચઆર અને કસ્ટમર સપોર્ટ જેવા ક્ષેત્રોમાં વધી રહેલું ઓટોમેશન પણ આ છટણી પાછળનું એક પરોક્ષ કારણ હોઈ શકે છે.
જો આ વખતે 16000 કર્મચારીઓની છટણી થશે, તો એમેઝોનમાં કુલ કાપનો આંકડો ૩૦,૦૦૦ને પાર કરી જશે. આ સંખ્યા 2022 અને 2023માં થયેલી 27000ની છટણી કરતા પણ વધારે છે. એમેઝોન પાસે વિશ્વભરમાં 15 લાખથી વધુ કર્મચારીઓ છે, પરંતુ આ કાપ માત્ર 3.5 લાખ જેટલા કોર્પોરેટ અને મેનેજમેન્ટ કર્મચારીઓ પર જ કેન્દ્રિત છે. અમેરિકામાં કાયદા મુજબ ઘણા કર્મચારીઓને અગાઉથી જ WARN નોટિસ મોકલી દેવામાં આવી હોવાના પણ અહેવાલો છે.