Wed Apr 29 2026

Logo

2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી: SP રિંગ રોડ પર 8  જંકશન બંધ કરાતા મુસાફરીમાં 15 મિનિટનો ઘટાડો

2026-04-05 09:35:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે શહેરમાં વાહનવ્યવહારને વધુ સુગમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડિકન્જેશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના ભાગરૂપે 37 કિલોમીટરના પટ્ટા પરના આઠ જંક્શન બંધ કરવામાં આવ્યા છે. પરિણામે, એપોલો સર્કલથી કમોડ સર્કલ સુધીની મુસાફરી માટે પીક અવર્સ દરમિયાન 45-50 મિનિટ લાગતી હતી, તે હવે 30-35 મિનિટ લાગે છે.

કયા જંકશન બંધ કરવામાં આવ્યા

આ આઠ જંક્શનમાં એપોલો સર્કલ, કરાઈ કટ, નાના ચિલોડા, દહેગામ ચાર રસ્તા, નિકોલ ચાર રસ્તા, દાસ્તાન સર્કલ, પાંજરાપોળ ચાર રસ્તા અને અદાણી સર્કલનો સમાવેશ થાય છે. એસપી રિંગ રોડના બાકીના 39 કિલોમીટરના પશ્ચિમ પટ્ટા માટે પણ આવું જ મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટા પાયે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારી કરી રહેલા અમદાવાદ માટે ટ્રાફિક જામ એક જટિલ શહેરી પડકાર તરીકે ઉભરી આવ્યો છે. ટ્રાફિક ઘટાડવાની વ્યાપક યોજના હેઠળ, 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા અમદાવાદના કુલ જંક્શન્સની સંખ્યા તબક્કાવાર રીતે આશરે 290 થી ઘટાડીને 140 કરવામાં આવશે.

અન્ય મહત્વના ફેરફારો કરાશે

આ ઉપરાંત ટર્ન  લેતા વાહનોને ઝડપી લેનથી અલગ કરવા માટે મહત્વપૂર્ણ યુ-ટર્ન પોઈન્ટ્સને 8 થી 10 ફૂટ પહોળા કરવામાં આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, ઓઢવના રોયલ યુ-ટર્ન કટ પાસે વધારાના કેરેજવેથી બોટલનેકની સમસ્યા હળવી થવાની ધારણા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ફેરફારથી યુ-ટર્ન લેતા વાહનોને વધારાની જગ્યા મળશે અને સીધો ટ્રાફિક ઝડપથી પસાર થઈ શકશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ કમિશનર જી.એસ. મલિક વ્યક્તિગત રીતે અઠવાડિયામાં બે વાર પ્રગતિની સમીક્ષા કરે છે. સત્તાધીશો એસપી રિંગ રોડ જેવા હાઈ-સ્પીડ કોરિડોર પર પદયાત્રીઓની સુરક્ષા માટે વધુ ફૂટ-ઓવર બ્રિજ બનાવવાનું પણ આયોજન કરી રહ્યા છે.

દબાણ હટાવવાની કામગીરી

AMC અને ટ્રાફિક પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમે વીકેન્ડ દરમિયાન રસ્તાના કિનારે થયેલા દબાણો, હોર્ડિંગ્સ અને ગેરકાયદે પાર્ક કરેલા વાહનો હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી. અમદાવાદને ઝડપી, સુરક્ષિત અને વધુ શિસ્તબદ્ધ ટ્રાફિક નેટવર્ક તરફ લઈ જવા માટે આવા વધુ ઓપરેશન્સનું આયોજન કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.