Thu Sep 03 2026

Logo

અમદાવાદમાં ઘરનું સપનું મોંઘું બનશે! 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં ઝીંકાશે આટલો વધારો

2026-06-15 22:30:00
Author: Devayat Khatana
અમદાવાદમાં ઘરનું સપનું મોંઘું બનશે! 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં ઝીંકાશે આટલો વધારો

અમદાવાદ: આર્થિક પાટનગર અમદાવાદમાં ઘર કે ઓફિસ ખરીદવાનું પ્લાનિંગ કરી રહેલા નાગરિકો માટે બજેટ ખોરવાય તેવા સમાચાર છે. ક્રેડાઈ (CREDAI) અમદાવાદ હાઉસ ખાતે શહેરના અગ્રણી બિલ્ડરો અને આશરે 400થી વધુ સભ્યોની એક હાઈલેવલ બેઠક મળી હતી જેમાં પ્રોપર્ટીના ભાવો વધારવાનો આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં લેવાયેલા  નિર્ણય મુજબ આગામી 1 જુલાઈથી શહેરમાં રિયલ એસ્ટેટના દરમાં ધરખમ ઉછાળો જોવા મળી શકે છે. જોકે ગ્રાહકોને રાહત આપતા એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે આગામી 30 જૂન સુધી ભાવો સ્થિર રાખવામાં આવશે, જે ખરીદદારો માટે જૂના ભાવે બુકિંગ કરાવવાની છેલ્લી તક છે.

મળતી વિગતો અનુસાર, પ્રોપર્ટીના ભાવમાં થનારા આ વધારાને પ્રોજેક્ટના સ્ટેજ પ્રમાણે લાગુ કરવામાં આવશે. જે બાંધકામ હજુ પ્રાથમિક તબક્કામાં છે અથવા નવા જ શરૂ થયા છે, તેમાં સીધો 10% સુધીનો મોટો ભાવવધારો કરવામાં  આવશે. તો બીજી તરફ જે પ્રોજેક્ટ્સનું કામ પૂર્ણ થવા આવ્યું છે તેમાં ગ્રાહકો પર બહુ મોટો બોજ ન પડે તે હેતુથી આશરે 5% જેટલો વધારો નક્કી કરાયો છે. 

બિલ્ડર એસોસિએશને ચેતવણી પણ આપી છે કે આ કિંમતોમાં વધારો એ માત્ર 'ફેઝ વન' છે, એટલે કે જો વૈશ્વિક સંકટ હજુ પણ લંબાશે તો આગામી 6થી 12 મહિનામાં કિંમતો હજુ પણ વધી શકે છે.

રિયલ એસ્ટેટ માર્કેટમાં અચાનક આવેલા આ ભાવવધારા પાછળ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક પરિબળો જવાબદાર હોવાનું જણાવવામાં આવ્યું છે. મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે, જેના લીધે બાંધકામ માટેના કાચા માલ જેવા કે સિમેન્ટ અને સ્ટીલની આયાતી કિંમતોમાં 20% થી લઈને 60% સુધીનો તોતિંગ ઉછાળો આવ્યો છે. 

આ સિવાય સ્થાનિક સ્તરે લેબર (મજૂરો) ની મોટી અછત ઊભી થઈ છે. અન્ય રાજ્યોમાં ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પણ પરપ્રાંતીય શ્રમિકો પરત ન ફરતા બાંધકામની ગતિ ધીમી પડી છે, જેના કારણે ડેવલપર્સને રેરા (RERA) ના નિયમો મુજબ પઝેશનમાં વિલંબ બદલ દંડ થવાની ભીતિ સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે બાંધકામ ઉદ્યોગ દેશના જીડીપીમાં 7.8% નો મોટો હિસ્સો ધરાવે છે અને રાજ્ય સરકારની આવકનો મોટો સ્ત્રોત છે. આ વર્તમાન કટોકટીમાંથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને ઉગારવા અને ગ્રાહકોને મોંઘવારીમાંથી બચાવવા ક્રેડાઈ દ્વારા ગુજરાત સરકાર સમક્ષ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.