રાજેશ યાજ્ઞિક
વિશ્વભરમાં 25 મે ‘મલેરિયા ડે’ તરીકે ઊજવાય છે. મલેરિયા એ એક રોગ છે જે મચ્છર કરડવાથી થાય છે. કેટલાંક મચ્છરો નાના પરોપજીવીઓ ધરાવે છે. જ્યારે તે કોઈને કરડે છે ત્યારે તે પરોપજીવીઓનો ચેપ લગાવી શકે છે.
સમશીતોષ્ણ આબોહવામાં આ રોગ એટલો સામાન્ય નથી, પણ ઉષ્ણકટિબંધીય દેશોમાં મલેરિયા હજી પણ સામાન્ય છે. દર વર્ષે લગભગ 290 મિલિયન એટલે કે 29 કરોડ લોકો મલેરિયાથી સંક્રમિત થાય છે અને એમાંથી અંદાજિત 4,00,000થી વધુ લોકો મૃત્યુ પામે છે. મલેરિયાના ચેપને ઘટાડવા માટે, વિશ્વ આરોગ્ય કાર્યક્રમો લોકોને મચ્છર કરડવાથી બચાવવા માટે નિવારક દવાઓ અને જંતુનાશક દવાથી સ્વચ્છ કરેલી જાળીનું વિતરણ કરે છે. વિશ્વઆરોગ્ય સંગઠને એવા દેશોમાં રહેતાં બાળકો માટે મલેરિયા રસીની ભલામણ કરી છે જ્યાં મલેરિયાના કેસ વધુ હોય છે.
મલેરિયાનાં લક્ષણ
એનાં લક્ષણો હળવાથી ગંભીર હોઈ શકે છે. તે ઘણીવાર ફ્લૂ જેવાં લક્ષણોથી શરૂ થાય છે અને વધુ ક્રમશ: વધુ ખરાબ થઈ શકે છે. તેમાં તાવ, શરદી, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, થાક, શ્વાસ લેવામાં તકલીફ, ઝાડા, ઉબકા અથવા ઊલટી, ત્વચા અથવા આંખોનો સફેદ ભાગ પીળો પડવો (કમળો), ઘેરો અથવા લોહીવાળો પેશાબ વગેરે લક્ષણો જોવા મળે છે.
મલેરિયાનાં લક્ષણો સામાન્ય રીતે ચેપ લાગ્યાના ઘણા દિવસોથી એક મહિના પછી દેખાય છે. કેટલાક લોકો મચ્છર કરડ્યા પછી એક વર્ષ કે તેથી વધુ સમય સુધી બીમાર પડતા નથી.
મલેરિયાનું કારણ
પ્લાઝમોડિયમ પરોપજીવીઓ મલેરિયાનું કારણ બને છે. પાંચ પ્રકારના જીવાણુઓ મનુષ્યોને ચેપ લગાવી શકે છે. પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ (પી. ફાલ્સીપેરમ) અને પ્લાઝમોડિયમ વિવાક્સ (પી. વિવાક્સ) સૌથી સામાન્ય છે. પી. ફાલ્સીપેરમ ઘણીવાર ગંભીર બીમારીનું કારણ બને છે.
આની બીમારી કેવી રીતે થાય છે?
મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે તેને પરોપજીવી ચેપ લાગે છે. પછી મચ્છર સ્વસ્થ વ્યક્તિને કરડે છે અને ચેપ ફેલાવે છે. પરોપજીવી આપણા યકૃતમાં ગુણાકાર કરે છે અને લોહીના પ્રવાહમાં ફેલાય છે. ત્યાર બાદ, જો મચ્છર કોઈને કરડે છે તો તે અન્ય લોકોમાં પણ ફેલાઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં મલેરિયા ગર્ભાવસ્થા અથવા બાળજન્મ વખતે, લોહી ચઢાવતી વખતે, અંગદાન કરતી વખતે, એક જ સોઈ એક કરતાં વધુ વ્યક્તિઓ પર વાપરવાથી પણ ફેલાઈ શકે છે.
શું છે આનાં જોખમી પરિબળો?
સ્વાભાવિક રીતે, મલેરિયા વધુ ફેલાતો હોય તેવાં સ્થળોએ રહેતા લોકોને તેનું જોખમ વધુ હોય છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવનારને આ બીમારી ગંભીર રીતે અસર કરી શકે છે અને ક્યારેક મૃત્યુ સુધીનું પણ જોખમ હોય છે.
મલેરિયાથી શું તકલીફો ઊભી થાય?
જો સારવાર ન કરવામાં આવે તો મલેરિયા ગંભીર ગૂંચવણો પેદા કરી શકે છે. મગજમાં રક્તવાહિનીઓ અવરોધિત થવી- જેને ‘મગજનો મલેરિયા’ પણ કહેવાય છે, વ્યક્તિ કોમામાં જઈ શકે છે, શરીરનાં અંગો નિષ્ફ્ળ જવાં જેવી તકલીફો ઊભી થઈ શકે છે જે જીવલેણ બની શકે છે.
આની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?
લોહીના પરીક્ષણ દ્વારા મલેરિયાનું નિદાન થઈ શકે છે. મલેરિયાની સારવાર તબીબો એવી દવાઓથી કરે છે જે પરોપજીવી (એન્ટિમેલેરિયલ દવાઓ)ને મારી નાખે છે. તબીબો કયા પ્રકારની મલેરિયાવિરોધી દવા આપે છે તેનો આધાર એ વાત પર છે કોને ક્યાં ચેપ લાગ્યો હતો, જેમ કે વિશ્ર્વના અમુક ભાગોમાં મલેરિયાગ્રેસને દવા-પ્રતિરોધક ચેપ થવાની શક્યતા વધુ છે.
અમુક મલેરિયાની સારવાર માટે હૉસ્પિટલમાં પણ દાખલ થવું પડી શકે છે. ક્યારેક સારવાર પછી પણ, ફરીથી મલેરિયા થઈ શકે છે. જ્યારે સારવાર દ્વારા પરોપજીવી સંપૂર્ણપણે નાશ પામતો નથી ત્યારે આવું થાય છે. તે લક્ષણો પેદા કર્યા વિના કોઈના શરીરમાં રહી શકે છે. પ્રારંભિક ચેપ અને સારવારનાં વર્ષો પછી એનાં ફરીથી લક્ષણો દેખાવાનું શરૂ થઈ શકે છે. માટે જ મલેરિયા ગંભીર રોગની શ્રેણીમાં ગણવામાં આવે છે.
મલેરિયાથી કેવી રીતે બચી શકાય?
‘પ્રિવેંશન ઇઝ બેટર ધેન ક્યૉર.’ અર્થાત્, સારવાર કરતાં સાવચેતી રાખવી સારી. આ વાત મલેરિયા માટે ખાસ લાગુ પડે છે.
નિવારક દવાઓ: જો એવા પ્રદેશોમાં મુસાફરી કરવાની હોય જ્યાં મલેરિયા સામાન્ય છે, તો તબીબની સલાહ લઈને રોકાણ પહેલાં, દરમિયાન અને પછી લેવા માટે મલેરિયાવિરોધી દવાઓ લઈ શકાય. હા, કોઈને જો મલેરિયાવિરોધી દવા લેતી વખતે મલેરિયા થાય તો ને તેની સારવાર માટે એક અલગ દવા લેવી પડશે!
મચ્છરોનો ઉપદ્રવ ટાળવો
આપણી આસપાસના પરિસરમાં મચ્છરોનો ઉપદ્રવ ન થાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. સરકાર દ્વારા તેના માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવે છે. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ પણ તેના માટે લોકોને જાગૃત કરવાના પ્રયત્નો દર વર્ષે કરે છે. પણ મચ્છર કરડવાથી બચવા માટે: બગ સ્પ્રે વાપરવા, શક્ય તેટલું ત્વચાને કપડાંથી ઢાંકો, મચ્છરદાની વાપરવી વગેરે મચ્છરના કરડવાથી બચવા માટે અન્ય સાવચેતીઓ રાખવી જોઈએ.
રસીકરણ: જાહેર આરોગ્ય અધિકારીઓ એવા વિસ્તારોમાં રહેતાં બાળકોને મલેરિયા સામે રસી આપવાની ભલામણ કરે છે જ્યાં ચેપ સામાન્ય છે.