Mon Aug 24 2026

Logo

આતંકી હુમલાથી પાકિસ્તાન ધણધણ્યું! પોલીસ ચોકીને વિસ્ફોટકોથી ઉડાવી, પાંચના મોત

Islamabad   2026-06-15 17:03:00
Author: Devayat Khatana
આતંકી હુમલાથી પાકિસ્તાન ધણધણ્યું! પોલીસ ચોકીને વિસ્ફોટકોથી ઉડાવી, પાંચના મોત

ઇસ્લામાબાદ: પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં આજે ખૈબર પખ્તુનખ્વા-પંજાબ સરહદ નજીક આવેલી પોલીસ ચોકી પર ભીષણ આતંકી હુમલો થયો હતો. વિસ્ફોટકોથી ભરેલું એક શંકાસ્પદ વાહન પોલીસ ચોકી સાથે અથડાતાં જોરદાર ધમાકો થયો હતો, જેમાં 5 પોલીસકર્મીનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હોવાના તેમજ અન્ય 8 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 

પોલીસ સૂત્રો દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી અનુસાર, આ વાહનમાં લાકડાની આડમાં મોટી માત્રામાં વિસ્ફોટકો છુપાવવામાં આવ્યા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ચોકીની બહારની દીવાલનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જોકે, આ આત્મઘાતી હુમલો હતો કે રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, તે અંગે હજી તપાસ ચાલી રહી છે અને હાલ ઘટનાસ્થળે રાહત તેમ જ બચાવ કાર્ય ચાલુ છે.

બીજી તરફ, આ ઘાતક હુમલાની જવાબદારી આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ લીધી છે. સંગઠને દાવો કર્યો છે કે આ હુમલો તેમની તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી ‘અલ-ફારૂક’ મિશાઇલ દ્વારા કરવામાં આવ્યો છે. 

જોકે, પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ આ મિસાઈલના દાવાની પુષ્ટિ કરી રહી નથી અને તપાસકર્તાઓ એ શોધવામાં જોડાયા છે કે હુમલો મિસાઈલથી થયો છે કે વિસ્ફોટક ભરેલા વાહન દ્વારા. ઉલ્લેખનીય છે કે, ટીટીપીએ તાજેતરના મહિનાઓમાં દક્ષિણ ખૈબર પખ્તુનખ્વા અને બાજોર જિલ્લામાં પણ આવા જ ઘણા મોટા આતંકી હુમલાઓને અંજામ આપ્યો હતો.

આ હુમલો અફઘાનિસ્તાનમાં TTPના ઠેકાણાઓ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના ગણતરીના દિવસો બાદ જ થયો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેમના સચોટ હવાઈ હુમલામાં TTPના તાલીમ કેન્દ્રો અને દારૂગોળાના ભંડાર નષ્ટ કરી દેવામાં આવ્યા હતા અને 26 આતંકવાદીઓ માર્યા ગયા હતા. 

જોકે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનના આ દાવાઓને નકારી કાઢ્યા હતા. અફઘાન પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે પાકિસ્તાન પર તેમના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરવાનો અને સામાન્ય નાગરિકોના ઘરો પર બોમ્બમારો કરવાનો આરોપ લગાવ્યો હતો, જેમાં 11 બાળકો અને મહિલાઓ સહિત અનેક નિર્દોષ નાગરિકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાને પગલે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે.