Sun Jun 14 2026

Logo

વિદેશી હૂંડિયામણની અનામતમાં 71.1 કરોડ ડૉલરનો ઘટાડો

2026-06-13 19:25:23
Author: Ramesh Gohil
Article Image

મુંબઈઃ ગત પાંચમી જૂનના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત 71.1 કરોડ ડૉલર ઘટીને 681.610 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત 93.8 કરોડ ડૉલર વધીને 682.321 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. 

દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં કુલ અનામતોમાં સૌથી બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 2.704 અબજ ડૉલર ઘટીને 543.444 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવા અન્ય ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. 

વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત 1.975 અબજ ડૉલર વધીને 114.575 અબજ ડૉલરની સપાટીએ અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 1.8 કરોડ ડૉલર વધીને 18.765 અબજ ડૉલરના સ્તરે રહ્યા હતા, જ્યારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત 4.826 અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.