Mon Jun 15 2026

Logo

શેરબજારની આકાશી છલાંગ: હોર્મુઝની શાંતિ સાથે સેન્સેક્સ ૧૨૯૩ પોઇન્ટ સુધી ઊંચે ઊછળ્યો

2026-06-15 17:43:00
Author: Nilesh Waghela
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 
મુંબઇ: અમેરિકા અને ઇરાન હોર્મુઝ સ્ટ્રેઇટમાં શાંતિ સ્થાપવા સહમત થયા હોવાના પ્રાથમિક અહેવાલોને પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઝડપી ઘટાડા સાથે બજારમાં લાવલાવનો માહોલ સર્જાતા સેન્સેક્સ ૧૨૯૩ પોઇન્ટ સુધી ઊછળ્યો હતો. જોકે, પાછળથી હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના ઉછાળાને અધારે પ્રોફિટ બુકિંગ શરૂ થતાં ઘણોખરો સુધારો ધોવાઇ ગયો હતો.

મુંબઇ સમાચારે આજના સોમવારના અંકના લેખમાં જ અંદાજ વ્યક્ત કર્યો હતો કે, ઇરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર અંતિમ ચરણમાં છે અને જો ડ્રાફ્ટ એમઓયુની વિગતો ધ્યાનમાં લેવામાં આવે તો હોર્મુઝ સ્ટ્રેઇટ ખૂલી જવાની આશા વચ્ચે બજારમાં સોમવારે મોટા, જબ્બર ઉછાળાની આશા રાખી શકાય. આ અપેક્ષા ફળીબૂત થઇ છે.

યુએસ અને ઈરાન વચ્ચે ૧૦૭ દિવસના યુદ્ધને સમાપ્ત કરવા માટે કરાર થયા પછી ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડો થવા સાથે વૈશ્ર્વિક શેરબજારોમાં આવેલી તેજી સાથે સ્થાનિક બજારમાં સેન્સેક્સ દિવસ દરમિયાન, તે ૧,૨૯૩.૧૨ પોઈન્ટ અથવા ૧.૭૧ ટકા વધીને ૭૬,૮૨૧.૦૭ની ઊંચી સપાટીને અથડાઇને અંતે ૭૩૬.૩૮ પોઈન્ટ અથવા ૦.૯૭ ટકા વધીને ૭૬,૨૬૪.૩૩ પર સ્થિર થયો હતો.

જ્યારે નિફ્ટી દિવસ દરમિયાન, બેન્ચમાર્ક ૩૮૮.૫ પોઈન્ટ અથવા ૧.૬૪ ટકા વધીને ૨૪,૦૧૧.૪૦ની ઊંચી સપાટીએ અથડાયા બાદ અંતે ૨૩૧ પોઈન્ટ અથવા ૦.૯૮ ટકા વધીને ૨૩,૮૫૩.૯૦ પર બંધ થયો હતો. અગાઉના સત્રમાં શુક્રવારે સેન્સેક્સ ૧,૬૯૫ પોઈન્ટ અથવા ૨.૩ ટકા અને નિફ્ટી ૪૬૧ પોઈન્ટ અથવા લગભગ બે ટકા વધ્યો હતો.

સ્વિટ્ઝર્લેન્ડમાં કરાર પર રૂબરૂ હસ્તાક્ષર કર્યા પછી, શુક્રવારે અમેરિકા અને ઈરાને તેમના ૧૦૭ દિવસના યુદ્ધનો અંત લાવવા અને વૈશ્ર્વિક તેલ પુરવઠાના પાંચમા ભાગના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા સાંકડા જળમાર્ગ, હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા માટે એક કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સાંજે ટ્રુથ સોશિયલ પર આ જાહેરાત કરી, જેનાથી ગ્લોબલ એનર્જી માર્કેટ પર દબાણ ઓછું થયું, કારણ કે અધિકારીઓએ જણાવ્યું હતું કે શાંતિ કરાર ૧૯ જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં હસ્તાક્ષર કરવામાં આવશે.

અમેરિકા-ઈરાન સોદાની જાહેરાત પછી વૈશ્ર્વિક બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા. વૈશ્ર્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૫ાંચ ટકા ઘટીને પ્રતિ બેરલદીઠ ૮૨.૯૦ ડોલરની નજીક ટ્રેડ થઈ રહ્યું છે.

સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં, ટ્રેન્ટ, ઇન્ટરગ્લોબ એવિએશન, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એટરનલ અને મારુતિ ટોપ ગેઇનર્સ અને એનટીપીસી, આઇસીઆઇસીઆઇ બેન્ક, એશિયન પેઇન્ટ્સ અને હિન્દુસ્તાન યુનિલિવર ટોપ લુઝર્સ શેર રહ્યા હતા.

એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૫ાંચ ટકાથી વધુ ઊછળ્યો, જ્યારે જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ લગભગ ૫ાંચ ટકા વધ્યો. શાંઘાઈનો એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ પણ ઊંચા મથાળે બંધ રહ્યો હતો. યુરોપના બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. શુક્રવારે યુએસ બજારો સકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા.

યુએસએ-ઈરાન શાંતિ કરાર પછી ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો વૈશ્વિક જોખમ સંપત્તિ માટે નોંધપાત્ર હકારાત્મક છે. ક્રૂડ ઓઇલના ભાવમાં તાત્કાલિક સુધારો ભારત જેવા આયાત-આધારિત અર્થતંત્ર માટે ખાસ કરીને પ્રોત્સાહક છે, કારણ કે તે ફુગાવાના દબાણને ઘટાડવામાં મદદ કરે છે, મેક્રો ઇકોનોમિક સ્થિરતામાં સુધારો કરે છે અને વધુ નીતિગત સુગમતા પૂરી પાડે છે.

એક્સચેન્જ ડેટા અનુસાર, શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. ૧,૦૮૨.૧૮ કરોડના મૂલ્યના ઇક્વિટી વેચ્યા. શુક્રવારે, સેન્સેક્સ ૧,૬૯૫.૪૦ પોઈન્ટ અથવા ૨.૩૦ ટકા ઉછળીને ૭૫,૫૨૭.૯૫ પર સ્થિર થયો હતો અને નિફ્ટી ૪૬૧.૩૦ પોઈન્ટ અથવા ૧.૯૯ ટકાના વધારા સાથે ૨૩,૬૨૨.૯૦ પર બંધ થયો હતો.