જોકે જર્મની 7-1થી અને ટયૂનિશિયા સામે સ્વિડન 5-1થી જીત્યું
હ્યુસ્ટન/ગ્વોડલૂપ: ફિફા વર્લ્ડ કપની બે મોટી ટીમ જર્મની અને સ્વિડને (ભારતીય સમય મુજબ રવિવાર રાતથી માંડીને સોમવાર સવાર સુધીમાં) પોતપોતાની મૅચમાં મોટા માર્જિનથી વિજય મેળવવાની સાથે ત્રણ પોઇન્ટ હાંસલ કરી લીધા હતા.
ટચૂકડા દેશ ક્યૂરસૉનો જર્મની સામે એક ગોલ!
ગ્રુપ-ઈમાં જર્મનીએ ફિફા વર્લ્ડ કપના ઇતિહાસના સૌથી નાના દેશ ક્યૂરસૉ (Curacao)ને 7-1થી હરાવી દીધું હતું. આ ટચૂકડા દેશની વસ્તી માંડ 1.58 લાખની છે અને એણે આ વખતે વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થઈને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ નાનકડા દેશના ખેલાડીઓએ જર્મની (Germany) જેવા ધરખમ અને ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા દેશને જોરદાર લડત આપીને એની સામે એક ગોલ કર્યો એ પણ બહુ મોટી સિદ્ધિ કહેવાય. આ ઐતિહાસિક ગોલ કયૂરસૉના લિવેનો કૉમેનેન્સીયાએ કર્યો હતો. જર્મની વતી સાતમાંથી બે ગોલ કેઈ હેવર્ટઝે કર્યા હતા.
ગ્રૂપ-એફમાં સ્વિડને ટયૂનિશિયાની મજબૂત ટીમને 5-1થી હરાવી દીધી હતી. 1990ના દાયકામાં સ્વિડન ફૂટબૉલ વિશ્વમાં બીજા નંબરે હતું.જોકે હાલમાં એની 38મી રેન્ક છે, જ્યારે ટયૂનિશિયાની રેન્ક 45મી છે.
અન્ય બે મૅચમાં શું બન્યું?
સોમવારે નેધરલૅન્ડ્સ અને જાપાન વચ્ચેની રસાકસીભરી મૅચ 2-2થી ડ્રોમાં ગઈ હતી અને બંને ટીમને એક એક પોઇન્ટ મળ્યા હતા. સોમવારની અન્ય એક મૅચમાં આઇવરી કોસ્ટે ઈક્વેડોરને રોમાંચક મુકાબલામાં 1-0થી હરાવી દીધું હતું.