Sun Sep 06 2026

Logo

ભરૂચ જામા મસ્જિદઃ મોટી સંખ્યામાં જૈન-હિન્દુ ધર્મના લોકો એકઠા થયા, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

2026-06-15 17:52:00
Author: Pooja Shah
ભરૂચ જામા મસ્જિદઃ મોટી સંખ્યામાં જૈન-હિન્દુ ધર્મના લોકો એકઠા થયા, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

અમદાવાદઃ ભરૂચમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદમાં હિન્દુ અને જૈન ધર્મના અવશેષો અને મૂર્તિઓ મળી આવીના અહેવાલો અને વીડિયો વાયરલ થયા બાદ સોમવારે મોટી સંખ્યામાં હિન્દુ તેમ જ જૈન ધર્મના સમર્થકો એકત્ર થયા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.


 
અખિલ ભારતીય સંત સમિતિના અનુયાયીઓ અને શ્રી ચક્રધર સ્વામીના સમર્થકોએ જિલ્લા વહીવટીતંત્રને લગભગ 35,000 સહીઓ સાથે એક અરજી સુપરત કરી હતી અને સ્મારકની અંદર હિન્દુ અને જૈન અવશેષો હોવાનો દાવો કરતા તેમના રક્ષણ માટે એક મોટી રેલીનું આયોજન કર્યું હતું.

કલેક્ટર કચેરીમાં સુપરત કરાયેલી આ અરજીમાં, હિન્દુ અને જૈન જૂથો દ્વારા માળખાની ઐતિહાસિક ઓળખની વિગતવાર તપાસની નવી માંગણીઓ પણ સામેલ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમનો દાવો છે કે આ સ્મારક મૂળ રૂપે જૈન સમારી વિહાર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું, પરંતુ મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા આ દલીલને નકારી કાઢવામાં આવી હતી.
 
સોમવારે સવારથી જ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં ભક્તો, સંતો અને મહંતો એકઠા થવા લાગ્યા હતા. આયોજકોએ દાવો કર્યો હતો કે, સ્થાનિક રહેવાસીઓ ઉપરાંત, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પણ લોકો રેલીમાં ભાગ લેવા આવ્યા હતા.
 
4 માર્ચે કથિત રીતે રેકોર્ડ કરાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાના મહિનાઓ પછી આ રેલી કાઢવામાં આવી હતી.

આ રેલીને ધ્યાનમાં રાખી કોઈ તણાવનો માહોલ ઊભો ન થાય તે માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)એ સંરક્ષણની માગણી કરતા પોલીસે પહેલેથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. આ સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પણ સૂચનાઓ આપી હતી.