Wed Jun 17 2026

Logo

અમેરિકા-ઈરાન વચ્ચેની ‘શાંતિ ડીલ’ ઈઝરાયલે ફગાવી, નેતન્યાહુએ સુપરપાવરને આપ્યો સીધો પડકાર

Jerusalem   2026-06-15 14:17:00
Author: Vimal Prajapati
Article Image

જેરુસલેમઃ મધ્ય પૂર્વમાં અત્યારે યુદ્ધ શાંત થયું કે નહીં તે એક પ્રશ્ન બની રહ્યો છે. ત્રણ દેશો ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા આમાંથી જો બે દેશ શાંતિ માટે તૈયાર થાય તો તે શરતો ત્રીજા દેશને મંજૂર હોતી નથી. આવું છેલ્લા કેટલાય મહિનાઓથી થઈ રહ્યું છે. તેમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારને ઈઝરાયલે ફગાવી દીધો છે. અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ઈરાન સાથે પરમાણુ સામગ્રી અને ક્ષેત્રિય તણાવ ઓછો કરવા માટે સમજૂતી થઈ ગઈ છે. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે, શાંતિ સમજૂતી બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તો યુદ્ધ શાંત થયું પરંતુ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેની જંગ હજી પણ ચાલી શકે છે. કારણ કે, આ ડીલથી ઈઝરાયલ સંપૂર્ણ રીતે અસહમત હોવાનું જાણવા મળ્યું છે. 

ઈઝરાયલે ઈરાન પર હુમલાઓ વધારી દીધી 

આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઈરાન અને તેના સાથે જોડાયેલા દેશો પર ઈઝરાયલ સૈન્ય કાર્યવાહી ઓછી કરવાની જગ્યાએ હુમલાઓ વધારી દીધા છે. નેતન્યાહુ સરકારનું કહેવું છે કે, તે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા વોશિંગ્ટનના રાજદ્વારી પ્રયાસોને સોંપવાના મૂડમાં નથી, જેના કારણે આ પ્રદેશમાં ફરી એકવાર મોટા પાયે યુદ્ધ ફાટી નીકળવાની સંભાવના વધી રહી છે.

ઈરાન સાથેનો કોઈ પણ સમજૂતી કરાર વિશ્વાસપાત્ર નથીઃ ઈઝરાયલ     

ઈઝરાયલની સ્પષ્ટપણે માનવું છે કે, ઈરાન સાથે કરવામાં આવેલો કોઈ પણ સમજૂતી કરાર વિશ્વાસપાત્ર નથી. ઈઝરાયલનું કહેવું છે કે, જ્યાં સુધી તેહરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે નાબૂદ ન થાય અને પ્રદેશમાં તેનું પ્રોક્સી નેટવર્ક સંપૂર્ણપણે નાબૂદ ન થાય ત્યાં સુધી ઈરાન પર કોઈ પણ પ્રકારે વિશ્વાસ કરી શકાય નહીં. એટલે તેનો અર્થ એ થયો કે, ઈઝરાયલ આ યુદ્ધ વિરામના સમજૂતી કરાર માનવા માટે તૈયાર નથી. ઈઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માંગી રહ્યું છે. 

આ સમજૂતી કરારમાં ઈઝરાયલને શાનો ડર છે?

ઈઝરાયલને એ વાતનો ડર છે કે, આ ડીલના કારણે ઈરાન ફરી આર્થિક રીતે મજૂબત થઈ જશે અને ખાનગી રીતે પરમાણુ કાર્યક્રમ પર કામ કરીને તે પરમાણું હથિયારો બનાવી લેશે. એટલું જ નહીં પરંતુ ફરી તે હથિયારોનો ઈરાન ઈઝરાયલ વિરૂદ્ધ ઉપયોગ કરશે. જેથી અત્યારે જ તેને ખતમ કરવા માંગી રહ્યું છે. શાંતિ કરાર માટે ત્રણેય દેશો સહમત થવા જરૂરી છે, બાકી આ કરારનો કોઈ અર્થ રહેતો નથી. અમેરિકાએ શાંતિની ઘોષણા કરી તે પછી પણ ઈઝરાયલે ઈરાન, સીરિયા અને લેબનોનમાં આવેલી ઈરાની જગ્યાઓ પર હુમલા ચાલૂ રાખ્યા છે. 

ઇઝરાયલ દ્વારા કરવામાં આવતા આ સતત હુમલાઓ અમેરિકાની મધ્યસ્થીવાળી શાંતિ પ્રક્રિયાની સાર્વભૌમત્વને સીધી રીતે પડકાર આપી રહ્યા છે. આ મામલે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ઇઝરાયલના અસ્તિત્વ અને સુરક્ષાની વાત આવે ત્યારે તેઓ કોઈપણ આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકશે નહીં. મહાસત્તા અમેરિકા સામે પણ ઈઝરાયલ નમતી આપવા માટે તૈયાર નથી.