(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ગત મે મહિનામાં ખાસ કરીને ક્રૂડ સોયાબીન તેલનાં શિપમેન્ટમાં વધારો થવાને કારણે ખાદ્યતેલની આયાત 6.7 ટકા વધીને 13.39 લાખ ટનની સપાટીએ રહી હોવાનું તાજેતરમાં સ્થાનિક ઔદ્યોગિક સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન દ્વારા સંકલિત કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત મે મહિનામાં દેશમાં ખાદ્યતેલની આયાત મે, 2025ના 12,54,883 ટન સામે વધીને 13,38,936 ટનની સપાટીએ રહી છે. જેમાં મુખ્યત્વે ક્રૂડ સોયાબીન તેલની આયાત મે, 2025ના 3,98,585 ટન સામે વધીને 4,93,854 ટનની સપાટીએ રહી હોવાથી આયાતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વધુમાં ગત મે મહિનામાં અખાદ્યતેલની આયાત પણ મે, 2025નાં 12,040 ટન સામે બમણાં કરતાં વધીને 26,202 ટનના સ્તરે રહી હોવાથી કુલ વનસ્પતિ તેલની આયાત પણ મે, 2025ના 12.67 લાખ ટન સામે આઠ ટકાના વધારા સાથે 13.65 લાખ ટનના મથાળે રહી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.
વધુમાં એસોસિયેશનના જણાવ્યાનુસાર ગત નવેમ્બર મહિનાથી શરૂ થયેલા તેલ વર્ષ 2025-26ના પહેલા સાત મહિનામાં દેશની કુલ વનસ્પતિ તેલની આયાત ગત વર્ષના સમાનગાળાના 83.39 લાખ ટન સામે 12 ટકા વધીને 93.65 લાખ ટનના સ્તરે રહી હતી. જેમાં ખાદ્યતેલની આયાત વર્ષાનુવર્ષ ધોરણે 13 ટકા વધીને 92.17 લાખ ટન (81.31 લાખ ટન)ની સપાટીએ અને અખાદ્યતેલની આયાત ગત સાલના સમાનગાળાના 2,07,505 ટન સામે ઘટીને 1,47,710ના સ્તરે રહી હોવાનું જણાવ્યું હતું.
એસોસિયેશનના જણાવ્યાનુસાર ગત મે મહિનામાં સ્પર્ધાત્મકતા વધવાથી ખાસ કરીને પામતેલ સામે સોયાબીન તેલનું પ્રીમિયમ સંકડાઈ જવાને કારણે ક્રૂડ સોયાબીન તેલની આયાતમાં વધારો થયો છે. નોંધનીય બાબત એ છે કે ગત પહેલી જૂનના રોજ સરકારે ક્રૂડ પામતેલ પરની ટૅરિફ વૅલ્યૂ વધારીને ટનદીઠ 1218 ડૉલર અને આરબીડી પામોલિનની ટનદીઠ 1222 ડૉલર કરી હતી, જ્યારે ક્રૂડ સોયાબીન તેલની ટૅરિફ વૅલ્યૂમાં સાધારણ ઘટાડો કરવામાં આવ્યો હતો.
જોકે, ગત મે મહિનામાં આરબીડી પામોલિનની કોઈ આયાત નોંધાઈ નહોતી, પરંતુ વર્તમાન તેલ મોસમના પહેલા સાત મહિનામાં અર્થાત્ ગત નવેમ્બરથી મે દરમિયાન આરબીડી પામોલિનની આયાત ગત સાલના સમાનગાળાના 8,26,800 ટન સામે ઘટીને 47,270 ટનના સ્તરે રહી હોવાનું એસોસિયેશને યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે આરબીડી પામોલિનની આયાતમાં ઘટાડો સરકારના ક્રૂડ અને રિફાઈન્ડ તેલની આયાત જકાત વચ્ચેના નોંધપાત્ર તફાવતની નીતિ પ્રતિબિંબિત કરે છે. આ નીતિથી ક્રૂડતેલની આયાતમાં વધારો થાય છે અને સ્થાનિકમાં રિફાઈનિંગ અને મૂલ્યવર્ધન થવાથી ઉદ્યોગ પ્રોત્સાહિત થાય છે. જોકે, એસોસિયેશને નોંધ્યું હતું કે નેપાળ સાથે થયેલા સાફ્ટા કરારને કારણે નેપાળને શૂન્ય ટકા આયાત જકાતનો લાભ મળતો હોવાથી નેપાળથી થતી આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે.