અમેરિકા અને ઈરાન વચ્ચેની ડીલ પર ઈઝરાયલની પ્રતિક્રિયા યુદ્ધને લઈને સારા સંકેત નથી આપી રહી. ઈઝરાયલના રક્ષામંત્રીએ સોમવારે જણાવ્યું કે, જ્યાં સુધી ઈરાન અને અમેરિકા વચ્ચે વચગાળાની સમજૂતી બાકી છે, ત્યાં સુધી ઈઝરાયલ લેબનોનમાં કબજો કરેલી જમીન પરથી પાછું નહીં હટે. ઈઝરાયલે એવું પણ કહ્યું છે કે તે કોઈ 'Banana republic' (નબળો કે રાજકીય રીતે અસ્થિર) નથી અને ટ્રમ્પની આ સમજૂતી અમને તેનું પાલન કરવા માટે મજબૂર ન કરી શકે.
વચગાળાની સમજૂતીની જાહેરાત થયા પછી ઈઝરાયલ તરફથી ઈઝરાયલ કાત્ઝની આ પહેલી સત્તાવાર ટિપ્પણી હતી. પાકિસ્તાને જણાવ્યું છે કે બંને પક્ષો આ સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે શુક્રવારે જિનેવામાં મળશે.
કાત્ઝે જણાવ્યું કે ઈઝરાયલ લેબનોનની સાથે-સાથે સીરિયા અને ગાઝા પટ્ટીમાં પોતાના કબજા હેઠળના વિસ્તારોમાં "અનિશ્ચિત સમય" સુધી ટકી રહેવાની યોજના બનાવી રહ્યું છે. ઈરાને યુદ્ધ સાથે જોડાયેલી આ વચગાળાની સમજૂતીને લેબનોનમાં હિઝબુલ્લાહ પર ઈઝરાયલના હુમલા રોકવાની શરત સાથે જોડી છે.
કાત્ઝે એવી ધમકી પણ આપી છે કે જો ઈરાન લેબનોનમાં ઈઝરાયલી હુમલાઓને લઈને ઈઝરાયલ પર હુમલો કરશે, તો ઈઝરાયલ ઈરાન પર "ભયંકર તાકાત" થી વળતો હુમલો કરશે.
છેલ્લા અઢી વર્ષમાં ઈઝરાયલે ગાઝા, લેબનોન અને સીરિયામાં કુલ 1,000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર પોતાનો કબજો જમાવી લીધો છે. આ વિસ્તાર ન્યૂયોર્ક શહેર કરતાં થોડો નાનો છે.
ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન-ગ્વીરની પ્રતિક્રિયા વધુ આકરી (તીખી) છે. તેમણે કહ્યું છે કે ટ્રમ્પની સમજૂતી અમને બાધ્ય કરતી નથી. ઈઝરાયલ અમેરિકાના આધીન નથી, અને અમે એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર છીએ. જ્યારે પણ આપણે ઈઝરાયલની સુરક્ષાના ભોગે આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂક્યા છીએ, ત્યારે આપણે તેની ભારે કિંમત ચૂકવવી પડી છે. ઓસ્લો સમજૂતી વખતે પણ આવું જ થયું હતું, 2006ની લેબનોન સમજૂતીમાં પણ આ જ થયું હતું અને ગાઝામાં નિયંત્રણ મેળવવાના દરેક પ્રયાસ દરમિયાન પણ આવું જ થયું હતું, જેનું પરિણામ આપણા માટે ઘણું ખરાબ રહ્યું હતું.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ ચૂકી છે. હવે 19 જૂનના રોજ જિનેવામાં આના પર અંતિમ કરાર થવાની સંભાવના છે.
ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન-ગ્વીરે આ ડીલ પર શંકા વ્યક્ત કરતા ટિપ્પણી કરી કે, અમે અમેરિકાને પ્રેમ કરીએ છીએ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના આભારી છીએ. તેમ છતાં ઈઝરાયલ કોઈ 'Banana republic' (નબળો દેશ) નથી. હું વડાપ્રધાનને હંમેશા આ વાતો કહું છું અને દરેક મહત્વના ઐતિહાસિક વળાંક પર બંધ બારણે પણ આ વાતો દોહરાવું છું. ઐતિહાસિક ક્ષણોમાં, ઐતિહાસિક નિર્ણય લેવો જરૂરી હોય છે. આપણે એ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે લેબનોન તરફથી ઈઝરાયલ પર થતો ડ્રોન, UAV કે મિસાઈલનો દરેક હુમલો ઈઝરાયલ તરફથી કડક જવાબી કાર્યવાહીનું કારણ બનશે.
શું હોય છે બનાના રિપબ્લિક?
બનાના રિપબ્લિક (Banana Republic) એક કટાક્ષભર્યો (વ્યંગ્યાત્મક) રાજકીય શબ્દ છે. આ શબ્દનો ઉપયોગ એવા દેશો માટે કરવામાં આવે છે જે રાજકીય રીતે અસ્થિર હોય, જેમનું અર્થતંત્ર મુખ્યત્વે કોઈ એક અથવા અમુક મર્યાદિત કુદરતી સંસાધનોની નિકાસ પર નિર્ભર હોય, અને જે વિદેશી કંપનીઓ કે વિદેશી હિતો દ્વારા શોષિત થતા હોય.