અમદાવાદ: ગુજરાતમાં મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે શરૂ થયેલો વિરોધનો વંટોળ હવે પ્રચંડ બનીને અમદાવાદ અને પાટનગર ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. રાજ્યના ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓ અને વણઉકલ્યા પ્રશ્નોને લઈને વિપક્ષ કોંગ્રેસે ભાજપ સરકારને ચોતરફથી ઘેરવાની રણનીતિ તૈયાર કરી લીધી છે. આ આંદોલનના ભાગરૂપે આજે સોમવારે, 15મી જૂનના રોજ અમદાવાદના સરખેજ સ્થિત શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી ભવ્ય “ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર યાત્રા” યોજવામાં આવી છે. આ ટ્રેક્ટર રેલીની આગેવાની કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને ખેડૂત આગેવાનો સંયુક્ત રીતે કરી રહ્યા છે, જેમાં લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર, લાલજી દેસાઈ, કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી અને પાલ આંબલીયા સહિતના અનેક અગ્રણીઓ મોખરે રહ્યા છે.
શાંતિપુરા સર્કલ પર ખેડૂતોની ભારે ભીડ
અમદાવાદના સરખેજ નજીક આવેલા શાંતિપુરા સર્કલ ખાતે વહેલી સવારથી જ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે એકઠા થવાના શરૂ થઈ ગયા હતા. ટૂંક સમયમાં જ આ સ્થળ ખેડૂતોના પ્રચંડ જનમેદનીમાં ફેરવાઈ ગયું હતું, જેને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા ઘટનાસ્થળે લોખંડી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વિવિધ વીડિયોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા ખેડૂતો અને ટ્રેક્ટરોની લાંબી કતારોનો આક્રોશ સ્પષ્ટ જોઈ શકાતો હતો. રેલીને માત્ર ઓગણજ સર્કલ સુધીની જ વહીવટી મંજૂરી મળી હોવા છતાં ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જગતનો તાત પોતાનો હક્ક લેવા આવી રહ્યો છે
— Gujarat Congress (@INCGujarat) June 15, 2026
જય જવાન
જય કિસાન pic.twitter.com/0xCQnB6xLP
ગુજરાતમાં આજે બ્રિટિશ શાસન જેવી સ્થિતિ: અમિત ચાવડા
આ ખેડૂત સત્યાગ્રહ રેલી દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આજે ગુજરાતમાં જાણે બ્રિટિશ શાસન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં જગતના તાત સમાન ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટવામાં આવી રહ્યા છે. ભાજપ સરકાર અંગ્રેજોની નીતિઓ અપનાવીને અન્નદાતાઓ પર અમાનુષી અત્યાચારો ગુજારી રહી છે. પોલીસ અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને ખેડૂતોને ધમકાવવામાં અને ડરાવવામાં આવી રહ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ખેડૂતોની વિવિધ ન્યાયિક માંગણીઓ માટે ગુજરાત કોંગ્રેસ અને સંખ્યાબંધ ખેડૂત સંગઠનો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે, પરંતુ ભાજપ તેમને રોકવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ ખેડૂતોના હક માટે આ લડાઈ લડશે અને તેમનો અવાજ વધુ બુલંદ કરશે.
ખેડૂતોની ટ્રેક્ટર રેલી: હેવી વીજલાઈન મુદ્દે સરકાર સામે આક્રોશ ચરમસીમાએ! | Farmers Protest | Rally #farmersprotest #gujaratfarmers #tractorrally #gandhinagar #khedutandolan #justiceforfarmers #gujaratnews #jaijawanjaikisan #PowerGridIssue #farmersrights #gujaratassembly… pic.twitter.com/LHE9arPq90
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 15, 2026
આપ અને કોંગ્રેસ સામસામે આક્ષેપબાજી પર ઉતર્યા
આ ભવ્ય ટ્રેક્ટર રેલી આગળ વધી રહી હતી તે દરમિયાન અચાનક મારામારી અને ઘર્ષણ થયું હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થયા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું અને પોલીસે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવી પડી હતી. આ ઘટના બાદ રાજકીય આક્ષેપબાજી પણ તેજ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી (AAP)ના આગેવાનોએ કોંગ્રેસના નેતા પાલ આંબલીયા પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. સામા પક્ષે કોંગ્રેસે પલટવાર કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ ભાજપની ‘બી ટીમ’ છે. કોંગ્રેસની આ શાંતિપૂર્ણ રેલીની શાંતિને ડહોળવા અને ખેડૂતોના હિતના આ પવિત્ર યજ્ઞમાં હાડકાં હોમવાનું હીન કૃત્ય આપ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Gujarat Farmers Tractor Protest | અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી ખેડૂતોએ 1111 ટ્રેક્ટરો સાથે વિશાળ રેલી યોજી છે. ભાજપ સરકારની નીતિઓ અને વીજલાઈનના મુદ્દે ખેડૂતોએ આક્રમક વલણ અપનાવ્યું છે. ખેડૂત અધિકાર માટે નીકળેલી આ રેલીની તમામ અપડેટ્સ માટે વીડિયો જુઓ. #FarmersProtest… pic.twitter.com/KphqwZ8a0W
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) June 15, 2026
ખેડૂતોની સહનશક્તિની હવે પરાકાષ્ઠા: ગેનીબેન
રેલીમાં ઉપસ્થિત બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને આડે હાથ લેતા આક્રોશપૂર્વક જણાવ્યું કે, ગુજરાતના ખેડૂતોની સહન કરવાની શક્તિ હવે પરાકાષ્ઠાની હદ વટાવી ચૂકી છે. મોરબીમાં જે રીતે પોલીસે મહિલાઓ પર બેફામ લાઠીચાર્જ કરીને માર માર્યો હતો, તેવું દમન તો સરમુખત્યાર હિટલર દ્વારા પણ કરવામાં આવ્યું નહોતું. આજે હક માંગતા ખેડૂતો પર લાઠીઓ વરસાવવામાં આવી રહી છે. ઓગણજ સર્કલ સુધીની જ મંજૂરી આપવાના મુદ્દે તેમણે સ્પષ્ટ કર્યું કે, આપણા બંધારણમાં લોકોને અન્યાય સામે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો અબાધિત અધિકાર છે. આજે સામાન્ય જનતાના હક અને બંધારણનું હનન થઈ રહ્યું છે. તેમણે ચીમકી આપતા કહ્યું કે, જો સરકાર ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારે તો આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરાશે અને જો ખેડૂતોને દબાવવાનો પ્રયાસ ચાલુ રહેશે તો ગુજરાતમાં ‘નેપાળવાળી’ થતાં વાર નહીં લાગે.
#WATCH | Ahmedabad | Gujarat Congress President Amit Chavda says, "There is British rule in Gujarat today, where farmers are being looted. BJP, following the polices of the British, are causing atrocities against the farmers. Using Police and Administration, the farmers are being… pic.twitter.com/8MfKiz01mM
— ANI (@ANI) June 15, 2026
ઉલ્લેખનીય છે કે, આ "ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર યાત્રા"નું આયોજન કરવા માટે અગાઉ કોંગ્રેસની એક મહત્વની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં વિપક્ષી નેતા ડૉ. તુષાર ચૌધરી, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી અને કિસાન કોંગ્રેસના અધ્યક્ષ જયેશ પટેલ સહિત ૨૦૦થી વધુ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ લાલજી દેસાઈએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત નેજા હેઠળ યોજાયેલી આ રેલીમાં રાજ્યના ખૂણે-ખૂણેથી ખેડૂતો જોડાયા છે. ભાજપ સરકાર માત્ર કાગળ પર જ ખેડૂતને 'જગતનો તાત' કહે છે, પરંતુ વાસ્તવમાં સરકારની આયોજન વગરની લોકવિરોધી નીતિઓના કારણે ખેડૂતો પીસાઈ રહ્યા છે. મંત્રીઓ અને આઈએએસ-આઈપીએસ અધિકારીઓ સત્તાના જોરે બળજબરીપૂર્વક ગરીબ ખેડૂતોના ખેતરોમાં ખાનગી કંપનીઓની હાઈટેન્શન વીજ લાઈનો નંખાવી રહ્યા છે, જેની સામે હવે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે.