સ્થાનિક સોનામાં સાપ્તાહિક 4.17 ટકાનો કડાકો બોલાતા માગમાં સળવળાટ
અમેરિકા અને ઈરાને એકબીજા પર હુમલાઓ ચાલુ રાખતા વૈશ્વિક બજારમાં ગત ગુરુવાર સુધી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અને ક્રૂડતેલના ભાવમાં મક્કમ વલણ રહ્યું હોવાથી ફુગાવામાં વધારો થવાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ સહિતની કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવતા એકંદરે સોનામાં નરમાઈનું વલણ રહ્યું હતું.
જોકે, ગત શુક્રવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે સપ્તાહના અંત સુધીમાં ઈરાન સાથે શાંતિ કરાર થઈ જવાનો આશાવાદ વ્યક્ત કરવાની સાથે ઈરાન પર લશ્કરી હુમલાઓ બંધ કરવામાં આવ્યા હોવાનું જણાવતાં ક્રૂડતેલના ભાવ ચાર ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 86.71 ડૉલર આસપાસ રહ્યા હતા, તેમ જ વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં પણ સુધારાતરફી વલણ રહેતાં અન્ય કૉમૉડિટી સાથે વૈશ્વિક સોનામાં ધીમો સુધારો આવ્યો હતો.
તેમ છતાં સાપ્તાહિક ધોરણે ભાવમાં સતત બીજા સપ્તાહે ઘટાડાતરફી વલણ રહેતાં અંદાજે 2.3 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર રોકાણકારોમાં વ્યાજદરમાં વધારાની ચિંતા સપાટી પર હોવાથી સપ્તાહના અંતે સોનામાં સુધારો મર્યાદિત માત્રામાં જોવા મળ્યો હતો.
વૈશ્વિક બજારોને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડાતરફી વલણ રહ્યું હતું. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત પાંચમી જૂનના રૂ.1,54,238ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 1,50,768ની સપાટીએ ખૂલ્યા બાદ નીચામાં રૂ. 1,44,782 અને ઉપરમાં રૂ. 1,52,584ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 4.17 ટકા અથવા તો રૂ. 6438ના ઘટાડા સાથે રૂ. 1,47,800ની સપાટીએ બંધ રહ્યા હતા. તે જ પ્રમાણે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીના કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. 2,56,908ના બંધ સામે રૂ. 2,41,160ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,32,591 અને ઉપરમાં રૂ. 2,45,938ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 5.57 ટકા અથવા તો રૂ. 14,326ના ગાબડાં સાથે રૂ. 2,42,582ના મથાળે બંધ રહ્યા હતા.
એકંદરે ગત સપ્તાહે સ્થાનિકમાં સોનાના ભાવ ગત બીજી એપ્રિલ પછીની સૌથી નીચી રૂ. 1.44 લાખ આસપાસની સપાટી સુધી તૂટ્યા હોવાથી રોકાણલક્ષી માગ ઉપરાંત રિટેલ સ્તરની પણ બાયબૅકમાં લેવાલી નીકળી હોવાનું હૈદરાબાદસ્થિત એક બુલિયન ડીલરે જણાવતાં ઉમેર્યું હતું કે ઘટ્યા મથાળેથી માગનો ટેકો મળતાં સ્થાનિકમાં ડીલરો ભાવ જે આગલા સપ્તાહે વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 87 ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે આૈંસદીઠ 35 ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરતા હતા.
વધુમાં મુંબઈસ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે ગત સપ્તાહે જ્વેલરોએ પણ ભવિષ્યની અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા સ્ટોક કરવાનું શરૂ કર્યું હોવાનું જણાય છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત મે મહિનામાં સરકારે સોના-ચાંદીની આયાત જકાતમાં વધારો કરતાં રોકાણકારોની નફારૂપી વેચવાલી નીકળતાં વર્ષમાં પહેલી વખત સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં ચોખ્ખો બાહ્યપ્રવાહ જોવા મળ્યો હતો.
ગત ગુરુવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન સામેની લશ્કરી કાર્યવાહી બંધ રાખવાની સાથે ટૂંક સમયમાં જ ઈરાન સાથે શાંતિ કરાર થવાની શક્યતા વ્યક્ત કરી હોવાથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલવાની શક્યતા સપાટી પર આવી હતી. જોકે, ઈરાને શાંતિ કરાર અંગે કોઈ અંતિમ નિર્ણય ન લીધો હોવાનું જણાવ્યું હોવા છતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું અને સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગમાં ઘટાડો થયો હોવાથી વધતા ફુગાવાના સંજોગોમાં ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી તંગ નાણાનીતિ જાળવી રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ગત સપ્તાહે વૈશ્વિક સોનાના ભાવમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો અને સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો હતો.
વધુમાં ક્રૂડતેલના ભાવમાં વધારો થવાને કારણે ગત સપ્તાહે અમેરિકાના જાહેર થયેલા મે મહિનાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ તથા પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા ઊંચી સપાટીએ રહ્યા હોવાથી આ વર્ષના અંત આસપાસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતાં સપ્તાહ દરમિયાન સોનાની મંદીને ટેકો મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે સપ્તાહના અંતે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો ડિસેમ્બર અંતમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારે તેવી 57 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોના માટે આૈંસદીઠ 4000 ડૉલરની સપાટી ટેકાની અને 4380 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે, જ્યારે ચાંદીના ભાવ આૈંસદીઠ 58થી 72 ડૉલર આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા છે. તેમ જ સ્થાનિકમાં આગામી સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,42,000થી 1,52,000ની રેન્જમાં અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 2,26,000થી 2,49,000ની રેન્જમાં રહે તેમ જણાય છે.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 4227.17 ડૉલર આસપાસ અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ ત્રણ ટકા વધીને 4238.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 1.2 ટકા વધીને આૈંસદીઠ 68.14 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
હાલમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવ્યો હોવા છતાં અગાઉ ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાથી આગામી ટૂંકાથી મધ્યમ સમયગાળા દરમિયાન ફુગાવાલક્ષી દબાણ જોવા મળે તેવી શક્યતા ઝોનેર મેટલ્સના ઉપપ્રમુખ અને સ્ટ્રેટેજિસ્ટ પીટર ગ્રાન્ટે જણાવ્યું હતું. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થવાના આશાવાદ અને અમેરિકાએ લશ્કરી કાર્યવાહી અટકાવી હોવાનું જણાવ્યું છે.
જોકે, ઈરાને અમેરિકાના શાંતિ પ્રસ્તાવ અંગે કોઈ નિર્ણય ન લીધો હોવાનું જણાવ્યું હોવાથી અમુક અંશે બજારમાં અસમંજસની સ્થિતિ હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં ગત સપ્તાહના અંતે યુબીએસએ આગામી ટૂંકા સમયગાળા માટે વૈશ્વિક સોનાનો લક્ષ્યાંક ઘટાડીને આૈંસદીઠ 3850થી 4000 ડૉલરનો મૂક્યો છે.