રાજપીપળા: નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા ભાજપના સત્તાવાર કાર્યક્રમમાં ભાજપમાં ભડકો થયો હતો. રાજપીપળાના આંબેડકર હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિકોના સન્માન માટે આયોજિત આ કાર્યક્રમ દરમિયાન ભાજપના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખનું પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત ન કરાયું હોવાનો આક્ષેપ ઉઠ્યો હતો. આ કથિત અપમાનથી ભારે નારાજ થઈને પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વનમંત્રી ગણપત વસાવાની હાજરીમાં જ ધારાસભ્ય કાર્યક્રમમાંથી વોકઆઉટ કરી ગયા હતા. ત્યાર બાદ તેઓ હોલની બહાર જ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે ધરણા પર બેસી ગયા હતા અને સંગઠન તેમજ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
ધરણા પર બેઠેલા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખનો આક્રોશ ખુલીને સામે આવ્યો હતો અને તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, "શું આપણે આદિવાસી છીએ તો કોઈના ગુલામ છીએ કે આવું અપમાન સહન કરવાનું? મતવિસ્તારના અઢી લાખ મતદારોમાંથી આશરે 1.30 લાખ જેટલા નાગરિકોએ મત આપીને મને વિજેતા બનાવી છે." ડૉ. દેશમુખે ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તેમનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે અને ગાંધીનગરના એક મોટા મંત્રીની પીઠબળ હોવાને કારણે જ પ્રમુખ આ પ્રકારની મનમાની ચલાવી રહ્યા છે. આ દરમિયાન તેમને મનાવવા આવેલા ભાજપના અન્ય નેતાઓને પણ તેમણે આકરા શબ્દોમાં ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે જો જાહેર કાર્યક્રમમાં ધારાસભ્યનું અપમાન થતું હોય અને તમે કંઈ બોલી શકતા ન હોવ, તો અહીં આવવાની કોઈ જરૂર નથી; હું આદિવાસીઓના હિત માટે મરતા દમ સુધી લડત આપીશ.
આ હાઇડ્રામા વચ્ચે ભાજપના વરિષ્ઠ આદિવાસી નેતા અને સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના સમર્થનમાં ઉતરી આવ્યા હતા અને તેઓ પણ ધરણા પર સાથે બેસી ગયા હતા. સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ નીલ રાવને આડેહાથ લેતા આ ઘટનાને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું હતું. તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું કે, દેશના વડાપ્રધાનના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના પવિત્ર અવસર પર અમુક લોકો હવનમાં હાડકાં નાખવાનું કામ કરી રહ્યા છે. આવી સંકુચિત માનસિકતા ધરાવતા જિલ્લા પ્રમુખ સતત આદિવાસી નેતાઓ અને ભાજપના વરિષ્ઠ આગેવાનોનું અપમાન કરતા આવ્યા છે, જે હવે કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.
સાંસદ મનસુખ વસાવાએ પક્ષના આંતરિક માળખા અને પ્રોટોકોલ સામે પણ સવાલો ઉઠાવતા સ્પષ્ટ કર્યું હતું કે, રાજપીપળામાં સભા હોય અને સ્થાનિક ધારાસભ્યને જ બોલવાનો મોકો ન મળે કે તેમનું અપમાન થાય તે ન ચલાવી લેવાય. પાર્ટીના પોતાના પ્રોટોકોલ હોઈ શકે છે, પરંતુ આદિવાસી વિસ્તારોમાં આવા જડ પ્રોટોકોલ નહીં ચાલે, અહીં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને આગેવાનોને પોતાની વાત રજૂ કરવા માટે ઓછામાં ઓછો ૫ મિનિટનો સમય મળવો જ જોઈએ. તેમણે વિપક્ષ આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના કટાક્ષ કર્યો હતો કે, દિલ્હીથી આવતા નેતાઓ પણ સ્થાનિક નેતાઓને જ આગળ રાખતા હોય છે, જ્યારે અહીં સ્થાનિક નેતાઓનું જ દમન થઈ રહ્યું છે. આ ઘટનાને પગલે નર્મદા જિલ્લા ભાજપ સંગઠનમાં ચાલતો આંતરિક અસંતોષ અને જૂથબંધી હવે જાહેરમાં આવી ગઈ છે.