Wed Sep 16 2026

Logo

ભચાઉ પંથકમાં ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: વાગડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય થતાં લોકોમાં ફફડાટ

2026-06-15 13:55:00
Author: Mumbai Samachar Team
ભચાઉ પંથકમાં ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: વાગડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય થતાં લોકોમાં ફફડાટ

ભુજઃ ભૂકંપ ઝોન ૬માં સમાવાયેલા કચ્છમાં  કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે આજે ફરી એકવાર ધરા ધ્રુજી ઊઠી છે. સંવેદનશીલ ગણાતી વાગડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય થતાં ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ડરામણા અવાજ સાથે ધરતીકંપનો આંચકો  અનુભવાયો હતો, જેને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના પ્રવક્તાના જણાવ્યા મુજબ, આજે સોમવારે વહેલી સવારે ૮ વાગીને ૩૨ મિનિટે ભચાઉ પંથકમાં આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા ૨.૯ ની માપવામાં આવી હતી. ભૂકંપવિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી આશરે ૨૫ કિલોમીટર દૂર આવેલા કકરવા ગામ નજીક જમીનમાં નોંધાયું હતું.

ઉલ્લેખનીય છે કે, વાગડ ફોલ્ટ લાઇન ભૂગર્ભીય હલચલ માટે જાણીતી છે અને આ પટ્ટા પર અવારનવાર નાના-મોટા આંચકાઓ આવતા રહે છે. ઉનાળાની આકરી ગરમી વચ્ચે સવારના સમયે જ અચાનક ધરતી ધ્રુજતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

(ઉત્સવ વૈદ્ય)